ભારતમાં 24 કલાકમાં 1.84 લાખ કેસ, દેશમાં વધુ 82,339 લોકો કોરોનાની સામે જંગ જીત્યા, 1000થી વધુ મોત

ભારતમાં કોરોના વાયરસના કેસ એટલા ઝડપથી વધી રહ્યા છે કે ભારત દુનિયાનો બીજા નંબર નંબરનો દેશ બની ગયો છે કે જ્યાં કોરોનાના કેસ સૌથી વધુ છે. દેશમાં આવેલી કોરોનાની બીજી લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં રોકેટ ગતિએ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. પાછલા 24 કલાકમાં દેશમાં 1.84 લાખ નવા કેસ નોંધાયા છે, જ્યારે 1000 કરતા વધુ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.

કેન્દ્રીય સ્વાસ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં પાછલા 24 કલાકમાં નવા 1,84,372 નવા કોરોના કેસ નોંધાયા છે, જ્યારે એક જ દિવસમાં 1,027 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. આ પહેલા સોમવારે નોંધાયેલા કેસમાં 879 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો હતો અને નવા કેસનો આંકડો 1.61 લાખ નોંધાયો હતો.

ભારતમાં કોરોના વાયરસના નવા કેસમાં સતત થઈ રહેલા વધારાના કારણે કુલ કેસનો આંકડો 1,38,73,825 પર પહોંચી ગયા છે, જ્યારે કુલ 1,72,084 કોરોનાના દર્દીઓએ દેશમાં જીવ ગુમાવ્યો છે. હાલ દેશમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તેના કારણે એક્ટિવ કેસનો આંકડો 13 લાખને પાર કરીને 13,65,704 પર પહોંચી ગયો છે.

પાછલા 24 કલાકમાં દેશમાં વધુ 82,339 લોકો કોરોનાની સામે જંગ જીત્યા છે, ભારતમાં કોરોનાને હરાવીને કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,23,36,036 પર પહોંચી ગઈ છે. ભારતમાં આજના દિવસ સુધીમાં કોરોનાની સામે 11,11,79,578 નાગરિકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાનની શરુઆત કરવામાં આવી છે, જેમાં કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી હતી, આ પછી બીજા તબક્કામાં 1 માર્ચથી 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો અને જેઓ 45 વર્ષથી વધુ ઉંમરના હોય અને ગંભીર બીમારીથી પીડાતા હોય તેમને રસી આપવાનો પ્રારંભ કરાયા હતો.

2 એપ્રિલથી દેશમાં 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો રસી લઈ શકે તેનો પ્રારંભ કરવામાં આવ્યો. ભારતમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો પાછલા વર્ષે 7 ઓગસ્ટના રોજ 20 લાખને પાર પહોંચ્યો હતો. જે પછી 23 ઓગસ્ટે 30 લાખ, 5 સપ્ટેમ્બરે 40 લાખ, 16 સપ્ટેમ્બરે 50 લાખ પર પહોંચ્યો હતો.

Scroll to Top