સુરતઃ પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખો મુખ્યમંત્રી સાથે મીટિંગ કરીને પાટીદારોની મુખ્ય માગણીઓ તેમની સમક્ષ રજૂ કરવામાં આવશે. 15મી સપ્ટેમ્બરે પાટીદારોની મુખ્ય છ સંસ્થાઓના પ્રમુખોએ એસપીજીને વાયદો કર્યો હતો કે, 10 દિવસમાં તેઓ મુખ્યમંત્રીને મળીને પાટીદારો દ્વારા માગણીઓની રજૂઆત કરવામાં આવશે. જે અંગે મુખ્યમંત્રી સાથે તેઓ મીટિંગ કરે તેવી શક્યતા છે.
એસપીજીના પ્રમુખ લાલજી પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર યુવા નેતા અલ્પેશ કથિરિયાને મુક્ત કરવા ઉપરાંત ખેડૂતોને લાભ થાય, પાટીદારોને બંધારણીય રીતે અનામત મળે, પોલીસ દમનના કેસો પર વિચારણા થાય, શહીદ પાટીદારોના પરિવારના સભ્યોને નોકરી મળે વગેરે પાટીદાર સમાજની માંગ છે.
આ માંગો સરકાર સુધી પ્રોપર ચેનલમાં પહોંચે અને સમાજને ન્યાય મળે તે માટે એસપીજીને સંસ્થાઓએ જણાવ્યું હતું કે, 10 દિવસ આપો, અમે સરકાર સુધી મુદ્દા પહોંચાડીને યોગ્ય ઉકેલ લાવીશું.
પાસ અને એસપીજી દ્વારા મંગળવારથી દરેક જિલ્લામાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. સુરતમાં પણ પાસ-એસપીજી કલેક્ટરને આવેદનપત્ર આપીને પોતાની માગણીઓ આ રીતે સરકાર સુધી પહોંચાડશે.
ઉલ્લેખયની છે કે પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવા માફીને લઈને પાસ કન્વીનર હાર્દિક પટેલ દ્વારા 19 દિવસ સુધી ઉપવાસ કરવામાં આવ્યા હતાં. તે દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો સહિત મોટા નેતાઓ હાર્દિકની મુલાકાત લીધી હતી.