અમદાવાદઃ શહેરમાં દિવસને દિવસે મહિલાઓની સુરક્ષા જોખમાઈ રહી છે, ક્યારેક નોકરીના બહાને તો ક્યારેક જાહેરમાં છેડતીનો ભોગ બની રહી છે. આજે પણ એક આવી જ ઘટના સામે આવી છે. ગઈકાલે(26 સપ્ટેમ્બર) એચ.કે.કોલેજની બાજુમાં આવેલા ચીનુભાઈ ટાવરમાં નિલય એન્ટરપ્રાઈઝ નામની ઓફિસમાં સંજય શુકલા નામના શખ્સે કોલેજીયન યુવતીને તેની કેબિનમાં બોલાવીને સંમતિ વિના હાથ પકડીને અભદ્ર માંગણી કરીને ગંદી ગાળો આપી, બદનામ કરવાની ધમકી આપી હોવાની નવરંગ પુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. માત્ર એટલું જ નહીં, આરોપીએ યુવતીને કહ્યું કે, હું ખાલી બોલ્યો છું, પ્રેક્ટિકલ ક્યાં કર્યું છે. તને થોડો ગેસ્ટ હાઉસમાં લઈ જાઉં છું.
ઈન્ટરવ્યુ વિના આપી નોકરી
એસ.વાય.બી.એ.માં અભ્યાસ કરતી યુવતીની ફરિયાદ મુજબ, આ યુવતીએ પાર્ટ ટાઈમમાં એચ.કે.કોલેજની બાજુમાં આવેલા ચીનુભાઈ ટાવરની ઓફિસ નંબર એ-1/1માં વેલવેટ પેન્સિલના મશીન બનાવતી અને વેચતી નિલય એન્ટર પ્રાઈઝમાં 30 ઓગસ્ટના રોજ ટેલિકોલર તરીકે નોકરી શરૂ કરી હતી. આ ઓફિસમાં મને સંજય કાળીદાસ શુકલા(ઉ.વ.32) નામના કંપનીના માલિકે કોઈપણ જાતના ઈન્ટરવ્યુ વિના 6 હજારના પગારથી નોકરીએ રાખી હતી. ત્યાર બાદ ત્રણ દિવસની ટ્રેનિંગ અંગે જણાવ્યું હતું.
‘તારે ગ્રાહકની તમામ ડિમાન્ડ પુરી કરવાની’
ત્યાર બાદ 25 સપ્ટેમ્બરના સંજય શુકલાએ વધારાની ટ્રેનિંગ માટે એમની કેબિનમાં સાંજ સાડા પાંચ વાગ્યે બોલાવી હતી. ત્યાર બાદ તેણે આ યુવતીને કસ્ટમરને કોલ કરવાનું કહ્યું હતું, જેને પગલે તેણીએ કોઈ કસ્ટમર સાથે કંપનીના પેન્સિલના મશીન વેચવા બાબતે વાતચીત કરી હતી. \
આ સમયે કંપનીના માલિક સંજય શુકલાએ કહ્યું કે, તારે કસ્ટમર સાથે મીઠી મીઠી વાતો કરવી અને તેની ઈમ્પ્રેસ કરવાના અને વીડિયો કોલિંગ કરવાનું કહે તો વીડિયો કોલિંગ કરવા તથા જે ડિમાન્ડ કરે તે બધી ડિમાન્ડ પુરી કરવી તેમજ ગ્રાહક જે કહે તે બધું કરવાનું. આ વાત બાદ આરોપીએ યુવતીનો હાથ પકડી લીધો અને કહ્યું કે, મને જે છોકરી ગમે છે તેને હું સીધો જ આઈલવયુ કહી દઉં છું, તેમ જણાવી ખૂબ નજીક ગયો જેથી તે થોડી દૂર જતી રહી. ત્યાર બાદ કહ્યું કે, તું મને ખૂબ ગમે છે.
‘હું ખાલી બોલ્યો છું, પ્રેક્ટિકલ ક્યાં કર્યું છે’
આરોપીની આ હરકત બાદ ફરિયાદી યુવતી ગભરાઈ ગઈ અને ઘરે જતી રહી, પરંતુ બદનામની ડરથી આ મામલે કોઈને વાત કરી નહીં. આ ઘટના બાદ યુવતી તેના ભાઈ સાથે બાકીનો પગાર લેવા માટે તેની ઓફિસે ગઈ હતી. જ્યાં આરોપી સંજય નશા હાલતમાં હોય એવું લાગી રહ્યું હતું અને યુવતીને બદનામ કરવાની ધમકી આપીને કહ્યું કે કોઈ પગાર મળશે નહીં. તેમજ કહ્યું કે, તારે આગળ વધવું હોય તો મને કો-ઓપરેટ કર, તમે તો મારા ગુલામ છો, તમારી ઔકાત શું છે.
ત્યાર બાદ આ વાત આટલેથી ન અટકતા તેની સામે જાતિ વિષયક ટીપ્પણી પણ કરી કહ્યું કે, હું ખાલી બોલ્યો છું, પ્રેક્ટિકલ ક્યાં કર્યું છે. તને થોડો ગેસ્ટ હાઉસમાં લઈ જાઉં છું. તેમ કહેતા આ યુવતી તેના ભાઈ સાથે ઘરે જવા નીકળી ગઈ.
ગાળો ભાંડી કેરેક્ટર ખરાબ કરવાની આપી ધમકી
ત્યાર બાદ આ બનાવ અંગે યુવતીએ તેના મમ્મીને વાત કરી અને તેની મમ્મીએ સંજય શુકલાને આ અંગે ફોન કરતા સંજયે તેને પણ ગાળો આપી હતી કે, તારી દિકરીનું કેરેક્ટર ખરાબ કરી દઈશ, તારાથી થાય તે કરી લે.