બેંકમાં પીપીઇ કિટ્સ પહેરીને ઘુસ્યા આતંકવાદીઓ, પછી જે થયું તે જાણીને થઈ જશો હૈરાન

ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આતંકીઓએ લૂંટ ચલાવી છે. આ લૂંટ ઘાટીમાં ચર્ચાનો વિષય બની રહી છે. તેનું કારણ એ છે કે આતંકીઓએ આ ઘટનાને અંજામ આપવા માટે પી.પી.ઇ કીટ પહેરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, પી.પી.ઇ કીટ પહેરેલા આતંકીઓ ગઈકાલે બપોરે જિલ્લાના પટ્ટનના શેરાબાદ ખોર વિસ્તારમાં જમ્મુ-કાશ્મીર બેંકની શાખામાં ઘૂસી ગયા હતા. જ્યાં સુધી લોકો અને કર્મચારીઓ કંઇક સમજી શકે તે પહેલા આતંકીઓ રોકડ લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. જોકે ત્યાં હાજર લોકો અને બેંકના ગાર્ડ્સે તેમને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આતંકીઓએ ગોળીબાર કર્યો હતો અને લોકો ડરી ગયા હતા.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, એક અજાણ્યા બંદૂકધારીએ ભાગી છૂટતાં બેંકના ગાર્ડની 12 બોર રાઇફલો પણ લૂંટીને સાથે લઇ ગયા હતા. તેમણે કહ્યું કે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. ઘણી જગ્યાએ દરોડા પણ પાડવામાં આવ્યા છે.

અધિકારીના કહેવા મુજબ આ ઝઘડા દરમિયાન બેંક ગાર્ડને ઇજા થઈ હતી. તેમણે કહ્યું કે, બેંકના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે કેટલી રકમ લૂંટાઇ છે.

નોંધપાત્ર વાત એ છે કે આ બેંક લૂંટની ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં આતંકીઓ ભાગતા નજરે પડે છે અને લોકો તેમના પર પથ્થરમારો કરી રહ્યા છે. આ ઉપરાંત એક શખ્સ આતંકવાદીઓને કંઇક કહે છે તો તે ભગાડવા માટે હવામાં ફાયરિંગ પણ કરે છે.

Scroll to Top