રવિન્દ્ર જાડેજાએ આઈપીએલ 2021 ની એક મેચમાં પોતાની બેટિંગથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. રવિન્દ્ર જાડેજાએ ઇનિંગની છેલ્લી ઓવરમાં હર્ષલ પટેલની એક ઓવરમાં 5 સિક્સર સહિત 37 રન બનાવ્યા હતા. આ સંયુક્ત રીતે આઈપીએલ ઇતિહાસની સૌથી મોંઘી ઓવર છે. જાડેજાની ઇનિંગની મદદથી સીએસકે પ્રથમ બેટિંગ કરતા 4 વિકેટે 191 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા 28 બોલમાં 62 રન બનાવીને અણનમ રહયા હતા. તેમણે 4 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.
19 ઓવર બાદ સીએસકેનો સ્કોર 4 વિકેટે 154 રન હતો. આવી સ્થિતિમાં, એવું લાગી રહ્યું હતું કે, ચેન્નઈની ટીમ મહત્તમ 170 રન સુધી પહોંચશે. પરંતુ 20 મી ઓવરના પહેલા બે બોલમાં જાડેજાએ હર્ષલના બોલ પર ડીપ મિડવીકેટ પર છગ્ગો ફટકારી દીધો હતો. ત્રીજા બોલ પર હર્ષલે ફુલટોસ ફેંક્યો અને અમ્પાયરે તેને નોબોલ આપ્યો હતો. જાડેજાએ તેને બાઉન્ડ્રીની બહાર પણ સિક્સર માટે મોકલી દીધો હતો. એટલે કે પહેલા બે બોલમાં 19 રન બની ગયા હતા.
4 બોલમાં 4 સિક્સર, અંતિમ ઓવરમાં 7 બોલ ફેંકી
આગામી બોલ પર જાડેજાએ ફરીથી હર્ષલ પટેલની બોલ પર સિક્સર ફટકારી હતી. આ રીતે જાડેજાએ 4 બોલમાં 4 સિક્સર ફટકારી હતી. તેમાં એક નોબોલ પણ હતો. ચોથા બોલમાં જાડેજાએ બે રન લીધા હતા. પાંચમા બોલ પર સિક્સર અને જાડેજાએ છેલ્લી બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આ રીતે હર્ષલ પટેલે છેલ્લી ઓવરમાં કુલ 37 રન આપ્યા હતા. તેમણે મેચમાં 4 ઓવરમાં 51 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. સીએસકે 20 ઓવરમાં 4 વિકેટે 191 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો.
ગૈલે પરમેશ્વરનની ઓવરમાં 37 રન બનાવ્યા હતા
હર્ષલ પટેલે આઈપીએલમાં સંયુક્ત રીતે સૌથી ખર્ચાળ ઓવર ફેંકી હતી. આ અગાઉ 2011 માં કોચ્ચી ટસ્કર્સ સાથે રમતા પરમેશ્વરે પણ એક ઓવરમાં 37 રન આપ્યા હતા. આરસીબી તરફથી રમતા ક્રિસ ગેલે ઓવરમાં 4 સિક્સર અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. એક નો બોલ હોવાને કારણે પરમેશ્વરને 7 બોલ ફેંકવી પડી હતી.