ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડુંનો પ્રકોપ જોવા મળી રહ્યો કે. તાઉ-તે દીવના વણાંકબારાએ ટકરાયું હતું અને ઉના તરફથી ભાવનગર પહોંચ્યું છે. અત્યારે ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે. વાવાઝોડાની આંખનો ભાગ પ્રવેશી ગયો છે. સોમનાથ, વેરાવળ, ઉના અને કોડીનાર સહિતના દરિયાઈ વિસ્તારોમાં 130 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
સોમનાથમાં વાવાઝોડાની ભયંકર અસર જોવા મળી રહી છે. અત્યારે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. તેની સાથે-સાથે ધોધમાર વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે. સમગ્ર શહેરી વિસ્તાર સહિત પંથકમાં લાઇટો ઉડી ગઈ છે. તો બીજી તરફ રાજકોટના આટકોટ, જસદણ સહિત આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે અને જેના કારણે વીજળી ગુમ થઈ ગઈ છે.
જૂનાગઢમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી છે. ગઈ કાલ રાતથી જ શહેરમાં ભારે પવન સાથે વરસાદ શરુ થઈ ગયો હતો. ગઈ કાલે શહેરમાં અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત શહેરના ગાંધીચોક વિસ્તારમાં સિટી રાઇડ બસ પર હોર્ડિંગ પડી ગયું હતું. જેના કારણે ગાંધીચોકથી રેલ્વે સ્ટેશન સુધી જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો. જ્યારે પાલિકાને આ ઘટનાની જાણ થતા હોર્ડિંગને હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.
રાજકોટમાં ગઈ કાલે 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂકાવાના કારણે વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં તોફાની પવન સાથે મધરાતે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. જેના લીધે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને લોકોને કારણ વગર બહાર ન નીકળવા માટે પણ અપીલ કરી હતી. દરિયાકાંઠાના વિસ્તારોમા ભારે પવન સાથે વરસાદની બેટિંગ ચાલી રહી છે. ઉના અને ગીર ગઢડામાં વૃક્ષો, વિજપોલ અને સોલાર પેનલ ધરાશાયી થઈ ગઈ હોય તેવું જાણકારી સામે આવી છે. મોબાઈલ ટાવર ધરાશાયી થવાના કારણે જાફરાબાદના અનેક ગામના સંપર્ક તૂટ્યા છે.
વેરાવળમાં પણ વાવાઝોડાની ભયંકર અસર જોવા મળી છે. ગઈકાલ રાતના શરૂ થયેલા ભારે પવનના કારણે અનેક જગ્યાઓએ મંડપ સહિત પતરાંઓ ઉડી ગયા હોય તેવી ઘટનાઓ સામે આવી છે. આ સિવાય બાયપાસ રોડ ઉપર પણ અનેક વૃક્ષ જમીનદોસ્ત પણ થઈ ગયા છે. જેના કારણે વાહનવ્યવહારને માઠી અસર પડી છે.