વોટ્સએપ (Whatsapp) ની નવી પ્રાઇવેસી પૉલિસી (New Privacy Policy) ને લઈને હાલમાં ચાલી રહેલ વિવાદનો અંત આવી રહ્યો નથી. વોટ્સએપે 15 મેથી તેની નવી પ્રાઇવેસી પૉલિસી ભારત સહિતના ઘણા દેશોમાં લાગુ કરી દીધી છે. તેને લઈને પાંચ મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે. વોટ્સએપની પૉલિસીને લઈને દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને વોટ્સએપ પાસેથી જવાબ માંગ્યા હતા. આ દરમિયાન સરકારના સૂત્રો દ્વારા માહિતી મળી છે કે સરકાર તરફથી વોટ્સએપ (Whatsapp) ને ચેતવણી આપવામાં આવી છે.
સરકારે કહ્યું છે કે જો વોટ્સએપ (Whatsapp) તેની નવી પ્રાઇવેસી પૉલિસી પાછી નહીં ખેંચે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે વોટ્સએપને તેની નવી પૉલિસી પાછી ખેંચવાનો આદેશ આપ્યો છે. મંત્રાલય તરફથી આ સંદર્ભે 18 મેના રોજ એક પત્ર પણ મોકલવામાં આવ્યો છે.
18 મેના રોજ વોટ્સએપને મોકલવામાં આવેલ એક પત્રમાં ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે વોટ્સએપની નવી પ્રાઇવેસી પૉલિસી (Whatsapp New Privacy Policy) ભારતીય યુઝરની સુરક્ષા, ડેટા સિક્યુરિટીનો અધિકાર ખતમ કરનારી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે કરોડો ભારતીય યુઝર સંદેશાવ્યવહાર માટે મુખ્યત્વે વોટ્સએપ પર નિર્ભર છે. વોટ્સએપની નવી પોલિસીને અમલમાં લાવીને કંપનીએ બેજવાબદાર હોવાનું પ્રમાણ આપ્યું છે.
નોંધનીય છે કે વોટ્સએપની નવી પ્રાઇવેસી પૉલિસી (Whatsapp New Privacy Policy) ને લઈને હાલમાં દિલ્હી હાઇકોર્ટમાં વિચારણા હેઠળ છે. મંત્રાલયે સ્પષ્ટ રીતે કહ્યું છે કે વ્હોટ્સએપ ની નવી પૉલિસી ઘણા ભારતીય કાયદાઓને તોડનારી છે. મંત્રાલયે વોટ્સએપને સાત દિવસની અંદર જવાબ માંગ્યો છે અને એમ પણ કહ્યું છે કે જો સંતોષકારક જવાબ નહીં મળે તો વોટ્સએપ સામે કડક પગલા લેવામાં આવી શકે છે.
જણાવી દઈએ કે વોટ્સએપની પ્રાઈવેસી પૉલિસી 15 મેથી અમલમાં થઇ ગઈ છે. વોટ્સએપે (WhatsApp) કહ્યું છે કે જો તમે તેની નવી પ્રાઇવેસી પૉલિસીને સ્વીકાર નહીં કરો, તો તે તમારા એકાઉન્ટ ને ડિલેટ નહિ કરે પરંતુ ધીમે ધીમે કરીને બધી સુવિધાઓ બંધ કરી દેશે.