ઉનાથી દર્દનાક ઘટના સામે આવી છે. જેમાં એક માસૂમ દીકરીનું કરુણ મોત નીપજ્યું છે. ઉનામાં પત્ની અને ત્રણ દિકરીઓ સાથે એક નાનો પરિવાર રહેતો હતો. પરંતુ ત્રણ દિવસ પહેલા જ્યારે ગુજરાતના દરિયા કિનારે તૌકતે નામનું વાવાઝોડું ટકરાયું ત્યારે વર્ષોથી મહેનત કરી છગન દાનાએ બનાવેલું સપનાનું મહેલ વેરવિખેર થઈ ગયું હતું. વાવાઝોડાના કારણે ઘર તૂટતાં પિતાના સપનાના ઘરમાં જ તેમની 7 વર્ષની માસૂમ દિકરીનું છત હેઠળ દટાઈને મોત નીપજ્યું હતું. જ્યારે પરિવારના ચાર લોકો માંડ બચ્યા હતા.
ઉનાથી 25 કિમી દૂર દરિયા કિનારે આવેલા સૈયદ રાજપરા ગામમાં 10000 ની વસ્તી રહેલી છે. જ્યારે ગામના મોટાભાગના લોકો માછીમારીનું કામ કરે છે. ગામમાં દરેક પાસે પોતાની નાની બોટ પણ રહેલી છે અને તેઓ આ બોટ મારફત દરિયામાં 15 નોટિકલ માઇલના કાંઠાના વિસ્તારમાંથી માછલીઓ પકડવાનું કામ કરે છે.
ગીર સોમનાથ જિલ્લામાં આવેલ સૈયદ રાજપરા કોઈને પણ ગમી જાય તેવું દરિયાકિનારે રહેલું ગામ છે. છગન દાનાનું ઘર પણ સી ફેસિંગ છે. તેના માટે મુંબઈ જેવા શહેરોમાં તો લોકો આવું ઘર મેળવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. છગન દાનાએ વાર્ષિક 1.5 લાખની આવકમાંથી થોડા થોડા રુપિયા બચાવીને વર્ષોની મહેનતથી ધીરે-ધીરે આ ઘર બનાવ્યું હતું. હવે તેમનું ઘર પાક્કું હતું જેના કારણે તેમણે જિલ્લા તંત્ર દ્વારા દૂર વિસ્તારમાં ઊભા કરવામાં આવેલા આશ્રય સ્થાનમાં જવાનું ટાળી દીધું હતું. તેમને લાગ્યું કે પાક્કું ઘર હોવાના કારણે વાવાઝોડાથી કોઈ અસર થશે નહીં.
આ દરમિયાન છગન દાદાએ જણાવ્યું છે કે, ‘વાવાઝોડાની પ્રથમ બે કલાક તો ખૂબ જ ભય જનક રહી હતી. પરંતુ આ સમય અમે ભયના હેઠળ પસાર કર્યો હતો. તેમ છતાં ઘરને કંઈ થયું નહોતું તો અમે રાહતનો શ્વાસ જરૂર લીધો હતો. ત્યાર બાદ એક કલાક સુધી તો પવનની ઝડપ શાંત થઈ ગઈ હતી જોકે પછી અચાનક પવન એવો વધ્યો કે જાણે બધું જ ઉખાળીને ફેંકી નાખશે. મારુ ઘર ઘડીના છઠ્ઠા ભાગમાં જ હતું ન હતું થઈ ગયું હતું. આટલું બોલતા તો દાનાભાઈના ગળે ડુમો ભરાઈ ગયો હતો અને તેઓ આગળ બોલી શક્યા નહોતા.
ત્યાર બાદ તેમના કાકા રામજી રાઠોડે આગળની ભયાનક ઘટના વિશે જણાવ્યું હતું કે, ‘ઘરમાં તેમની 7 વર્ષની દીકરી ભગવતી પર પડ્યું હતું અને તેના માથા અને કાનના ભાગે ખૂબ જ ગંભીર ઈજા થઈ હતી. જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. જ્યારે છગન દાનાભાઈની પત્ની લખુ અને બીજી દીકરી મનિષાને પણ ફેક્ચર થયું છે. જોકે સારવાર મળવામાં 24 કલાકનો સમય લાગી ગયો અને ત્યાર બાદ તેમને ઉના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.’
છગન દાનાભાઈના પડોશી સેવી મજેરિયા કે જેમનો પરિવાર પણ દાના ભાઈના ઘરમાં આશ્રય લીધો હતો. તેમને પણ ઇજા થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘ઘર પડવાનું શરું થયું કે અમે મદદ માટે બૂમો પાડી હતી પરંતુ તે સમય એવો હતો કે કોઈ અમારી મદદ કરવા આવી શકે તેમ નહોતા. હું મારી દીકરી હેતલ અને દીકરા અક્ષય સહિત બીજા પણ ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. પરંતુ અમારા માટે કોઈ મદદ કે રાહત ત્યાં પહોંચી શકી નહોતી. એક તરફ પવન એટલી ભયાનક ઝડપે વધ્યો કે જાણે પ્રલય આવી ગયો હોય.
ત્યાર બાદ વાવાઝોડું નબળું પડ્યું ત્યારે પડોશીઓ મદદ માટે દોડી આવ્યા હતા. પરંતુ વાવાઝોડાના કારણે ન તો લાઇટ હતી ના તો મોબાઈલનું નેટવર્ક જેથી તેઓ પણ કરવામાં સક્ષમ નહોતા. બીજા દિવસે સવારે સૌથી વધુ ઇજાગ્રસ્ત દાનાભાઈના પત્ની અને તેમની દીકરીને સવારે 9 વાગ્યે ટેમ્પોમાં બેસાડીને નજીકના આરોગ્ય કેન્દ્ર પર લઈ જવામાં આવ્યા હતા. જ્યારે બીજા કેટલાક પડોશીઓ આજુબાજુના ગામ સુધી પહોંચ્યા કે જ્યાંથી તેઓ 108 ને મદદ માટે બોલાવી શક્યા હતા. તેમ છતાં એમ્બ્યુલન્સ બીજા દિવસે અડધી રાતે ફોન પહોંચી શકી હતી. ગામના સરપંચ દિનેશ બામ્ભણિયાએ જણાવ્યું છે કે, લગભગ 80 ટકા ઘર અને 450 જેટલી બોટને નુકસાન થયું છે. જ્યારે 5 બોટ તો પૂરી રીત નષ્ટ થઈ ગઈ છે.