Air India પર સાયબર અટેક, જેમાં 45 લાખ યાત્રીઓના ક્રેડિટ કાર્ડ સહિત પર્સનલ જાણકારીની ચોરી

સરકારી એરલાઈન્સ કંપની એર ઇન્ડિયાનો ડેટા લીક થવાની ઘટના સામે આવી છે. કંપનીના કહેવા અનુસાર આ ઘટનાથી 45 લાખ પેસન્જરોના ડેટાને અસર પહોંચી છે. આ સિવાય કંપનીએ જણાવ્યું છે કે, તેમાં ગ્રાહકોની વ્યક્તિગત માહિતી, નામ, જન્મ તારીખ, સંપર્ક, પાસપોર્ટની માહિતી, ટિકિટની માહિતી, સ્ટાર એલાયન્સ, એર ઇન્ડિયા ફ્રીક્વન્ટ ફ્લાયર ડેટા અને ક્રેડિટ કાર્ડની માહિતીનો સમાવેશ થાય છે.

એર ઇન્ડિયાના જણાવ્યા મુજબ ડેટા ચોરીની આ ઘટના 26 ઓગસ્ટ 2011 થી 3 ફેબ્રુઆરી 2021 ની વચ્ચે ઘટી હતી. ક્રેડિટ કાર્ડ વિશે કંપનીએ જણાવ્યું છે કે, અમારા ડેટા પ્રોસેસરો પાસે સીવીવી/સીવીસી નંબર રહેલા નથી. જ્યારે અમારા ડેટા પ્રોસેસરે ખાતરી કરી છે કે, અસરગ્રસ્ત સર્વર પર કોઈ પણ પ્રકારની અસામાન્ય પ્રવૃત્તિ હજુ સુધી દેખાઈ નથી.

એર ઇન્ડિયાના જણાવ્યા મુજબ, આ ઘટના બહાર આવ્યા બાદ તરત જ તેણે તેની તપાસ કરવાનું ચાલુ કરી દીધું હતું. અસરગ્રસ્ત થયેલા સર્વરો સુરક્ષિત રહેલા છે. ક્રેડિટ કાર્ડ જાહેર કરનારાઓનો સંપર્ક કરાયો હતો અને તેઓને અપીલ પણ કરવામાં આવી હતી. ત્યાર બાદ એર ઇન્ડિયા એફએફપી પ્રોગ્રામનો પાસવર્ડ ફરીથી સેટ કરી દેવામાં આવ્યો હતો,

ડેટા સુરક્ષિત રહેલો છે તેની તપાસ કરવા માટે, કંપનીએ મુસાફરોને તેમનો પાસવર્ડ બદલવા પણ કહી દીધું છે. નિવેદનમાં એર ઈન્ડિયાએ જણાવ્યું છે કે, અમે અને અમારા ડેટા પ્રોસેસરો દ્વારા કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. આ દરમિયાન, અમે મુસાફરોને પાસવર્ડ બદલવા માટે જણાવતા રહીશું. મુસાફરોની વ્યક્તિગત માહિતી સુરક્ષિત રાખવી અમારા માટે મહત્વની બાબત છે.

Scroll to Top