ભરૂચની એક કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગને લઈને મોટી જાણકારી સામે આવી છે. ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં ગત તારીખ 1 મેના રોજ રાત્રિના સમયે કોવીડ કેર સેન્ટરના આઇસીયુ વિભાગમાં આગની ઘટના બની હતી. જેમાં કોરોનાના 16 દર્દીઓ અને બે ટ્રેઇની નર્સ મળી કુલ 18 વ્યકતિઓ જીવતા સળગી ગયા હતાં. આગની ગંભીરતાને જોતા રાજય સરકારે બે આઇએએસ અધિકારી રાજકુમાર બેનીવાલ અને વિપુલ મિત્રાને ભરૂચ મોકલ્યા હતા. જેને આ બાબતની તપાસ શરૂ કરી દીધી હતી.
આ બાબતમાં ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલના ટ્રસ્ટીઓની સામે બેદરકારી દાખવવા બદલ ipc 304, 337, 338 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ મુદ્દે ભરૂચ પોલીસે હોસ્પિટલના 9 ટ્રસ્ટીઓની ધરપકડ કરી લીધી છે.
ભરૂચ વિભાગીય પોલીસ વડા વિકાસ સુંડાએ બી ડિવિઝન પોલીસ મથક પર નોંધવામાં આવેલ ફરિયાદ મુજબ, ધી બોમ્બે પટેલ વેલફેર હોસ્પિટલનના સંચાલકોને જૂની બિલ્ડીંગમાં ડેઝીગનેટેડ કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની મંજૂરી અપાઈ હતી. તેમ છતા સંચાલકોએ તંત્રની પૂર્વ મંજૂરી અને બી.યુ.સર્ટિફિકેટ વગર નવા બિલ્ડીંગમાં હોસ્પિટલ શરૂ કરી દીધી હતી. આ સિવાય ફાયર સેફટી અંગેના પણ કોઈ પગલા લેવામાં આવ્યા નહોતા જેના કારણે હોસ્પિટલમાં આગ ફાટી નીકળતા 18 લોકોના મોત થયા હતા. આ ગુનામાં 9 ટ્રસ્ટીઓની ધરપકડ કરી છે છે.