રાજ્યમાં તૌકતે વાવાઝોડાએ તબાહી મચાવતાં અને કેરીનો પાક ખરી પડતાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. વાવાઝોડાના કારણે કેસર કેરીના બગીચાઓને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. જીલ્લામાં તૌકતે વાવાઝોડાના કારણે ખેતીમાં વ્યાપક નુકશાન થયું છે. બે દિવસ દરમિયાન ગુજરાતમાં ભારે વિનાશ વેરનાર તૌકતે વાવાઝોડા સાથે વરસેલા ભારે વરસાદે રાજ્યના જિલ્લામાં ઉનાળુ પાક, બાજરી તેમજ બાગાયતી પાક, કેરી અને કેળના પાકને વ્યાપક નુકશાન પહોંચાડ્યું છે.
ભાવનગરના ઘોઘા, મહુવા, રાજુલા, જાફરાબાદ, ઉના, ગિર-ગધાડા, તલાલા અને કોડિનાર તેમજ સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલા અન્ય વિસ્તારોમાં કેસર કેરીની ખેતી સૌથી વધારે પ્રભાવિત થઈ છે. ભાવનગરના તલાજા તાલુકાનું સોસિયા ગામ કેસર કેરી માટે પ્રખ્યાત છે. આજે આ ગામની કેરીની વાડીઓ વેરાન પડી છે. જે આંબા, કેળાં અને બાગાયતી પાકોને મોટું નુકશાન થયું છે. જયારે રાજકોટ- ગીર-સોમનાથના તલાલામાં આવેલા અંકોલવાડી ગામમાં 42 વર્ષીય ખેડૂત વલ્લભ પાટોલિયાની 23 વીઘા જમીન છે, જ્યાં તેઓ કેરીની ખેતી કરે છે અને તેઓ અહીં પાછલા 25 વર્ષથી ખેતી કરે છે અને એક અઠવાડિયા પહેલા તો તેઓ આશા રાખીને બેઠા હતા કે તમને આ વર્ષે ઘણો સાર પાક મળશે અને તેઓ પોતાની દીકરી તૃપ્તિના લગ્ન કરાવશે. આ ઉપરાંત, દીકરાને રાજકોટમાં ભણાવવા માટે પણ આ પૈસા કામમાં આવશે પરંતુ આ કુદરતી વાવાઝોડાએ તેમને સીધા 25 વર્ષ પાછળ લાવી દીધા છે.
જો કે અહીં આપને વલ્લભભાઈ ની ગણતરી વિશે કહી રહ્યા છે જયારે રાજ્યમાં આવા અનેક ખેડૂતો છે જેમની પણ આ હાલત થઇ ગઈ છે. જેમના પર આ તૌકતે વાવાઝોડાએ એક જ રાતમાં તેમની 25 વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધું છે. જે વાવાઝોડા દરમિયાન 20 મિનિટમાં જ વલ્લભભાઈની 25 વર્ષની મહેનત પાણીમાં ધોવાઈ ગઈ છે. વલ્લભભાઈ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, અમારી વાડીમાં અહીં 300 આંબા ના ઝાડ હતા અને આ બધા ઝાડ 20 વર્ષ જૂના હતા. પરંતુ આ તૌકતે વાવાઝોડાના ભારે પવનને કારણે અમારી સામે જ આમાંથી મોટા ભાગના વૃક્ષ ધરાશાઈ થઈ ગયા છે. અને આ વાવાઝોડા દરમિયાન હું મારી વાડીમાં જ હાજર હતો અને મારી આંખોની સામે જ મારા વૃક્ષો અને બધા સ્વપ્નો પણ ધરાશાઈ થઈ રહ્યા હતા.
વલ્લભભાઈએ વધુમાં જણાવ્યું છે કે, 20 વર્ષ પહેલા હું જયારે બારમા ધોરણની પરીક્ષા પાસ કરી ત્યારબાદ મેં આંબાની ખેતી કરવાની શરૂઆત કરી હતી. અને મેં આ વાડીમાં કેસર કેરીની ખેતી કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે મને આશા હતી કે આ વાડીમાં રોકાણ મને વર્ષો પછી પણ ફાયદો કરાવતું રહેશે. ત્યારે હવે મને લાગે છે કે આ વાવાઝોડાને કારણે મારું જીવન 25 વર્ષ પાછળ જતું રહ્યું છે. જો કે આ પ્રકારનું નુકસાન સહન કરનાર માત્ર આ વલ્લભભાઈ જ નથી.
આ ઉપરાંત કાઠિયાવાડના તમામ ખેડૂતો અને ખાસકરીને મહુવાથી માધવપુર વિસ્તારના ખેડૂતોએ વાવાઝોડાની ભારે તારાજીનો સામનો કરવો પડ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે સેંકડોની સંખ્યામાં વાડીઓ ખતમ થઈ ગઈ છે અને જે વૃક્ષો રહી ગયા છે તે પણ કોઈ કામના રહ્યા નથી કારણકે તેને પણ ઘણું નુકસાન થયું છે. સારી ગુણવત્તા વાળી કેરી ઉત્પન્ન થાય તે માટે વર્ષોની મહેનત લાગી હોય છે. જો કે આ પડી ગયેલ વૃક્ષ પાછળ પણ 800 રુપિયાનો ખર્ચ કરવો પડશે. જે 35 વર્ષ જૂના વૃક્ષો પણ વાવાઝોડાને કારણે ધરાશયી થયા છે. એટલું નુકસાન થયું છે કે કેરીના ખેડૂતો લગભગ 10 વર્ષ સુધી ફરીથી ઉભા નહીં થઈ શકે.
વલસાડ જિલ્લામાં વાવાઝોડાને લઈને કેરીના પાકને વધુ નુકસાન થયું છે. તમામ કેરીઓ ઝાડ પર થી પડી ગઈ હતી. જેને લઈને કેરીની ખેતી કરતા ખેડૂતોને લાખોનું નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. વલસાડ જિલ્લામાં ખેતી પાકોના ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે આખું વર્ષ જે પાકની આવક પર કાઢવાનું હોય તેમા અંદાજીત 50 ટકા થી 70 ટકા જેટલું નુકસાન થયું છે.
કેસર અને હાફૂસ જેવી કેરી આ વખતે 70 થી 80 ટકા આવી હતી અને કેરી બેડવાનો સમય પણ નજીક આવી ગયો હતો તેવા સમયે વાવઝોડાને પગલે ઝાડ પરના ફળ જમીન પર આવી ગયા હતા. જેને લઈને 1100 થી 1500 રૂપિયે મણની કેરી હવે 150 થી 200 રૂપિયે પણ આજીજી કરીને વેચવી પડે છે. કારણ આ કેરી હવે માત્ર અથાણાંમાં વપરાઈ શકે અને એનો બીજો કોઈ ઉપયોગ થઈ શકે એમ નથી.