ખાખી પર સવાલ: દલિત યુવકનો દાવો- કસ્ટડીમાં દુષ્કર્મ, પાણી માંગ્યું તો પેશાબ આપ્યો

કર્ણાટકના ચિકમગલુરમાં એક દલિત યુવકે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પર આરોપ લગાવ્યો છે કે ઈન્સ્પેક્ટરે તેને કસ્ટડી દરમિયાન પેશાબ પીવા માટે મજબૂર કર્યો હતો. આ દલિત યુવકની 10 મે ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ગામલોકોએ તેના પર એક દંપતિને હેરાન કરવાનો આરોપ લગાવીને અરજી દાખલ કરી હતી.

જો કે, આ ઘટના ત્યારે સામે આવી જયારે 22 વર્ષના દલિત યુવક પુનિતે વરિષ્ઠ અધિકારીને પત્ર લખીને આ ઘટનાની જાણ કરી હતી અને સંબંધિત સબ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરી.મીડિયા રિપોર્ટ અનુસાર, પુનિતે જણાવ્યું કે, તેને કસ્ટડીમાં લઇ ગયા પછી પોલીસે તેને ઘણા કલાકો સુધી માર માર્યો હતો. કસ્ટડી દરમિયાન જ તેણે પાણી માંગ્યું હતું.

તેના પર આરોપી સબ ઈન્સ્પેક્ટરે તેને પાણી આપવાની ના પાડી હતી. ત્યારબાદ સબ ઈન્સ્પેકટરે લોકઅપમાં રહેલા અન્ય વ્યક્તિને પુનીત પર પેશાબ કરવા કહ્યું અને પછી પુનીતને તે પીવા માટે મજબુર કર્યો. પુનીતે જણાવ્યું કે, ચોરીના કેસમાં પકડાયેલા ચેતને આવું કરવાની ના પાડી હતી. પરંતુ પોલીસકર્મીએ તેને ધમકી આપી હતી કે જો તે આવું નહિ કરે તો તેને પણ ત્રાસ આપવામાં આવશે.

પુનીતે આરોપ લગાવ્યો કે, પોલીસ સબ ઈન્સ્પેકટરે તેને જમીન પર પડેલા પેશાબના ટીપાં ચાટવા માટે દબાણ કર્યું હતું. ત્યાર પછી, તેને અપશબ્દ કહ્યા અને તેના પર ખોટું નિવેદન આપવા માટે દબાણ પણ કર્યું હતું.

આ ઘટના સામે આવ્યા બાદ ચિકમગલૂરના એસપી એ પ્રારંભિક તપાસના આદેશ આપ્યા છે અને પુનિતનું નિવેદન પણ દાખલ કર્યું છે. અને સાથે જ આરોપી સબ ઈન્સ્પેક્ટરને પોલીસથી દૂર કરી દેવામાં આવ્યા છે.

Scroll to Top