કતારગામ વિસ્તારના ભાજપના સક્રિય કાર્યકતા નિતેશ વાનાણીની સાઇબર ક્રાઇમમાં ધરપકડ કરવામાં આવતા ભાજપના પાટીદાર કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાજપની તાનાશાહીના વિરોધમાં ચાર વોર્ડના પ્રમુખ અને મહામંત્રી સહિતના હોદ્દેદારોએ રાજીનામાં આપી દીધા છે. આગામી દિવસોમાં અન્ય વોર્ડમાંથી પણ સંગઠનના હોદ્દેદારો રાજીનામાં આપે તેવી શક્યતા રહેલી છે.
સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા વિરુદ્ધ સોશિયલ મીડિયામાં આપત્તિજનક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ મુદ્દે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા પોલીસે કતારગામ વિસ્તારના ભાજપના સક્રિય કાર્યકર્તા અને સાઇબર યોદ્ધા તરીકે ઓળખાતા નિતેષ વાનાણીની ધરપકડ કરેલી છે. ભાજપના સક્રિય કાર્યકર્તાની ધરપકડના વિરોધમાં આજરોજ બપોરના ચાર કલાકે પાટીદાર વિસ્તારના ચાર વોર્ડના સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તા, માજી મહામંત્રી દામજી માવાણી, માજી કોર્પોરેટર ભરત મોના વરાછા મિની બજાર ખાતે એકઠા થયા હતા.
સંગઠનના હોદ્દેદારોએ ભાજપના જ કાર્યકર્તા સામે દાખલ કરવામાં આવેલી પોલીસ ફરિયાદનો ઉગ્ર વિરોધ નોંધાવી રાજીનામાં આપ્યા છે. વોર્ડ નંબર બેના પ્રમુખ મનુભાઇ બલર, મહામંત્રી ગૌરવ ઇટાલિયા, વોર્ડ નંબર ત્રણના પ્રમુખ અરવિંદ ઢોલા અને મહામંત્રી સુરેશ ધામેલીયા, વોર્ડ નંબર ચારના પ્રમુખ મહેશ કાકડિયા, મહામંત્રી રાકેશ ભીકડિયા અને હસમુખ ડોબરીયા, વોર્ડ નંબર છના પ્રમુખ અરવિંદ બારડેએ તાત્કાલિક અસરથી રાજીનામું આપી દીધું છે. પંદર વર્ષ પહેલાં ધીરુ ગજેરાની ભાજપમાંથી વિદાય બાદ સંગઠનના હોદ્દેદારોએ રાજીનામાં આપ્યા હતાં. ત્યાર પછી પ્રથમ વખત એકસાથે ચાર વોર્ડમાંથી રાજીનામાં આપવામાં આવ્યા છે.
ભાજપના સક્રિય કાર્યકર ધર્મેશ વાનાણીએ વરાછા મિની બજાર ખાતે કહ્યું હતું કે, નિતેશ વાનાણી આતંકવાદી હોય તેવી રીતે ફરિયાદ કરાઈ છે. નિતેશ વાનાણીએ અનામત આંદોલન દરમિયાન ભાજપના તરફેણમાં કામ કર્યુ હતું તો પણ ભાજપે તેની સામે ખોટી ફરિયાદ દાખલ કરી ફસાવ્યો છે. અમે બધે રજૂઆત પણ કરી છે. આવનારા દિવસોમાં મહિલા મોરચો, યુવા મોરચો સહિત અન્ય હોદ્દેદારો દ્વારા રાજીનામાં આપવામાં આવશે.
ભાજપના સક્રિય કાર્યકર મુકેશ ગુજરાતીએ નિતેશ વાનાણીની ધરપકડના વિરોધમાં કહ્યું છે કે, નાના કાર્યકર્તા પર કેસ કરી ખોટી રીતે દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આવતીકાલે બીજા કાર્યકર્તા સામે આ પ્રકારે પોલીસ કેસ કરી દબાવવામાં આવી શકે છે. કાર્યકર્તા હવે આવી તાનાશાહી ચલાવી લેશે નહીં. નિતેશ વાનાણીએ કોઇ વ્યક્તિ વિરુદ્ધ લખ્યું હતું કે, ભાજપની વિરુદ્ધ કંઇ લખ્યું નથી. આના પડઘા છેક સૌરાષ્ટ્ર સુધી પડશે. જેના કારણે આ વિવાદ ઉભો થયો છે.
બે વર્ષ અગાઉ પાટીદાર અનામત આંદોલન દરમિયાન નિતેશ વાનાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાર્દિક પટેલ વિરુદ્ધ પોસ્ટો મૂકી હતી. સમગ્ર આંદોલન દરમિયાન નિતેશ વાનાણીએ હાર્દિક પટેલની વિરુદ્ધ અને ભાજપની તરફેણમાં પોસ્ટો મૂકી હતી. જયારે પાલિકા ચૂંટણીમાં લલિત વેકરીયાની હાર બાદ શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા સામે સોશિયલ મીડિયામાં દુષ્પ્રચાર ઉભો થયો હતો. આ ઝુંબેશમાં વ્યક્તિગત આક્ષેપો થતા ભાજપમાં ભારે ચકચાર ઉભો થયો હતો. સાઇબર યોદ્ધા તરીકે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે બાર યુવાનોનું સન્માન પણ કર્યુ હતું જેમાં નિતેશ વાનાણીનો પણ સમાવેશ થાય છે. હવે સાઇબર યોદ્ધો જ સાઇબર ક્રાઇમનો આરોપી બનતા પાટીદારોમાં નારાજગી જોવા મળી છે.
પાટીદાર વિસ્તારના ચાર વોર્ડમાં હોદ્દેદારોનાં રાજીનામાં બાદ અસંતુષ્ટ કાર્યકર્તાઓએ અન્ય વોર્ડમાં પણ સંપર્ક કરવાનું શરૂ કર્યું છે. નિતેશ વાનાણીની ધરપકડના મુદ્દાને આગળ કરી અન્ય વોર્ડમાંથી સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકર્તા રાજીનામાં આપે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જ્યારે ભાજપની નેતાગીરી ડેમેજ કન્ટ્રોલ નહી કરે તો ભડકો વધે તેવી સંપૂર્ણ શક્યતા રહેલી છે.