રાજ્યમાં નાઈટ કરફ્યૂ અને પ્રતિબંધોને લઈને ગુજરાત સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નવા જાહેરનામામાં હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. નવા જાહેરનામામાં હોટલ અને રેસ્ટોરન્ટ માટે સમય મર્યાદા વધારવામાં આવી છે. જ્યારે હવે તે ટેક અવે અને હોમ ડિલિવરી સવારે 9 થી રાત્રીના 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકશે. જ્આયારે જાહેરનામાંનું 4 જૂન સુધી અમલીકરણ રહેશે અને દુકાનો સવારે 9 થી બપોરના 3 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે.
રાજ્યમાં આ અગાઉ લાગુ કરવામાં આવેલ જાહેરનામાની સમયમર્યાદા 28 મેના રોજ પૂર્ણ થઈ રહી હતી. ત્યાર બાદ નવું જાહેરનામું 4 જૂન સુધી પ્રતિબંધો અમલીકરણમાં રહેશે..સરકારે લીધેલા આ નિર્ણય મુજબ તમામ દુકાનો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટિંગ યાર્ડ, હેર કટિંગ સલૂન, બ્યુટીપાર્લર અને તમામ વેપાર સવારના 9 થી બપોરના 3 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. આ સિવાય બાગ-બગીચા, ધાર્મિક સ્થળો, સિનેમા ગૃહો, જિમ, સ્પા, સ્વિમિંગ પૂલ, ધાર્મિક-સામાજિક-રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે.
લગ્ન માટે 50 વ્યક્તિ અને અંતિમવિધિ માટે 20 વ્યક્તિની મર્યાદા યથાવત રાખવામાં આવી છે. સરકારી, અર્ધસરકારી, ખાનગી કચેરીઓ 50 ટકા સ્ટાફથી વધુ ચાલુ રાખી શકાશે નહીં. પબ્લિક બસસેવા 50 ટકા મુસાફર ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. હોટલ-રેસ્ટોરન્ટ સવારના 9 થી રાત્રિના 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે પરંતુ તેમાં પણ શરત છે કે, માત્ર ટેકઅવે અને હોમડિલિવરીની સુવિધા જ આપી શકશે.