છેલ્લા સાડા ચાર મહિનામાં દેશમાં જેટલી વેક્સીન લાગી છે, તેના લગભગ 60 ટકા હિસ્સો ફક્ત જૂન મહિનામાં લગાવવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જૂનમાં વેક્સીનના 12 કરોડ ડોઝ ઉપલબ્ધ થવાનો દાવો કર્યો અને તેનું સપ્લાયનું શેડ્યૂલ પણ રાજ્યોને મોકલી દીધું છે. નોંધનીય વાત છે કે 16 જાન્યુઆરીથી શરૂ થયેલ રસીકરણમાં અત્યાર સુધીમાં વેક્સીનના 21 કરોડ ડોઝ આપી દેવામાં આવ્યા છે.
આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ દેશમાં કોરોના સામે રસીકરણમાં ગુણાત્મક વધારો હોવાનો દાવો કરતા જણાવ્યું છે કે મે ની તુલનામાં જૂન મહિનામાં અઢી-ગણો વધુ ડોઝ પ્રાપ્ત થશે, જે જુલાઈમાં વધીને બે ગણા કરતા પણ વધુ થઇ જશે. તેમના કહેવા મુજબ, મે મહિનામાં દેશમાં કુલ સાત કરોડ 94 લાખ ડોઝ ઉપલબ્ધ કરાયા હતા અને જૂન મહિનામાં 11 કરોડ 96 લાખ ડોઝ ઉપલબ્ધ થશે. 31 જુલાઇ સુધીમાં 51.6 કરોડના ડોઝના હિસાબે જોઈએ તો જુલાઈ મહિનામાં 18 કરોડ ડોઝ ઉપલબ્ધ થશે. આ હિસાબે જ્યારે જૂનમાં લગભગ 40 લાખ ડોઝ લગાવવા પડશે, જ્યારે જુલાઈમાં દરરોજ 60 લાખ ડોઝ આપવાના રહેશે.
અધિકારીએ કહ્યું કે રાજ્યોને વેક્સીન ડોઝની ઉપલબ્ધતા માટે સમયપત્રક મોકલી દેવામાં આવ્યું છે, જેથી તેઓ તે મુજબ રસીકરણ અભિયાનની તૈયારી કરી શકે. જૂન મહિનામાં પ્રાપ્ત થનાર કુલ 11.96 ડોઝમાંથી 6.10 કરોડ ડોઝ કેન્દ્રં સરકાર મફતમાં રાજ્યોને આપશે, જે હેલ્થકેર અને ફ્રન્ટલાઈન કર્મચારીઓને અને સાથે સાથે 45 વર્ષથી ઉપરની વયના લોકોને આપવામાં આવશે. આ ઉપરાંત, રાજ્ય સરકારો અને ખાનગી ક્ષેત્ર માટે 5.86 કરોડ ડોઝ ઉપલબ્ધ થશે, જેને 18 થી 44 વર્ષની વચ્ચેના લોકોને આપવામાં આવશે. આમ તો સરકારે આ સ્પષ્ટ કર્યું નથી કે 11.96 કરોડના ડોઝમાં કોવેકસીન અને કોવિશિલ્ડનું પ્રમાણ શું હશે. પરંતુ તે નક્કી છે કે તેમાં સ્પુતનિક-વી ને શામેલ કરવામાં આવ્યું નથી. ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝે જૂન મહિનામાં દર અઠવાડિયે 10 લાખ સ્પુતનિક-વી ડોઝ લગાવવાની જાહેરાત કરી છે. તે સ્પષ્ટ છે આનાથી વેક્સીનની ઉપલબ્ધતામાં વધારો થશે.
જૂનમાં સીરમ 10 કરોડ ડોઝ આપવા સપ્લાય કરશે
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા (એસઆઈઆઈ) એ સરકારને કહ્યું છે કે તે જૂનમાં કોવિશિલ્ડના 9 થી 10 કરોડ ડોઝનું ઉત્પાદન અને સપ્લાય કરવામાં સક્ષમ થશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને લખેલા પત્રમાં સીરમે કહ્યું હતું કે તમામ પડકારો છતાં પણ તેમના કર્મચારીઓ વેક્સીન પૂરી પાડવા માટે રાત-દિવસ કામ કરી રહ્યા છે. કંપનીએ કહ્યું છે કે તે ભારત સરકારના સહયોગથી તેની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહી છે.