હાલના સમયગાળામાં કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે કોરોના વેક્સીન ખૂબ જ જરૂરી થઈ ગઈ છે. ગુજરાતમાં પ્રથમ મેથી 18 થી 44 વર્ષના લોકોને રસી આપવાની કામગીરી શરૂ કરાઈ હતી. તેમ છતાં રસીની અછતના કારણે હજી પણ લોકોને સરકારી વ્યવસ્થામાં ઓનલાઈન બૂકિંગમાં વેક્સીન સ્લોટ જોવા મળતા નથી. જ્યારે બીજી તરફ ખાનગી હોસ્પિટલોમાં રૂપિયા આપીને માંગો તેટલી રસી મળી રહી છે.
જ્યારે રાજ્યમાં સરકારી વ્યવસ્થામાં રસીની અછત ક્યારે દૂર થશે તે હજુ નક્કી કરાઈ નથી અને ખાનગી હોસ્પિટલો પાસે રસીનો પુરતો સ્ટોક આવી જતાં મનફાવે તેટલા ભાવે રસીનો વેપલો શરૂ કરી દેવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યના પાંચ મહાનગરોમાં ખાનગી હોસ્પિટલો જાણે ખુલ્લી લૂંટ ચલાવતી હોય તેમ 850 થી લઈને 1500 રૂપિયા સુધીનો ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે.
આ સિવાય કોવિન પોર્ટલ પર ખાનગી હોસ્પિટલોમાં વેક્સીનના ભાવ અને તેના સ્લોટની ઉપલબ્ધતા દેખાડવામાં આવી છે. જેમાં અમદાવાદની 5 હોસ્પિટલ, ગાંધીનગરની એક હોસ્પિટલ, રાજકોટની એક હોસ્પિટલ, સુરતની બે હોસ્પિટલ અને વડોદરાની બે હોસ્પિટલ સામેલ છે. આ બધી ખાનગી હોસ્પિટલોમાં કોવિશીલ્ડ રસીનો ચાર્જ 850 થી 950 રૂપિયા જ્યારે કોવેક્સિન રસીનો ચાર્જ 1250 થી 1500 રુપિયા સુધીનો દેખાડવામાં આવ્યો છે.
જ્યારે એક જ કંપનીની વેક્સીન હોવા છતાં શહેર અને હોસ્પિટલ મુજબ અલગ-અલગ ચાર્જ વસૂલવામાં આવી રહ્યા છે. જ્યારે કોવિન પોર્ટલ પર પૈસા આપીને રસી લેવા માટેના સ્લોટનું બુકિંગ પણ સરળતાથી થઈ રહ્યુ છે. એનો અર્થ એ છે કે, સરકાર પાસે રસી જ નથી, જ્યારે ખાનગી હોસ્પિટલો પાસે કોરોનાની વેક્સીનો પૂરતો સ્ટોક રહેલો છે.
- ખાનગી હોસ્પિટલોમાં લૂંટ આ પ્રકાર છે.
- ગાંધીનગર: માતુલ્ય વુમન્સ હોસ્પિટલમાં – 1500
- વડોદરા: સનશાઈન ગ્લોબલ હોસ્પિટલમાં – 950
- અમદાવાદ: એપોલોમાં CBCC- 850
- અમદાવાદ: ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલમાં- 850
પ્રાપ્ત માહિતી અનુસાર વેક્સિનેશનની શરૂઆતમાં જ ખાનગી હોસ્પિટલોમાં વેક્સીનના એક ડોઝના 250 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવતા હતા. જે હવે 1500 રૂપિયા સુધી પહોંચી ગયા છે તેવું સામે આવી રહ્યું છે. આરોગ્ય સેતુ એપ્લિકેશન પર પેઈડ સ્લોટ ચેક કરતા ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલમાં 4 જૂનથી લઈને 9 જૂન સુધી માટે બધા સ્લોટ રહેલા છે. જ્યારે તેની સામે અર્બન હેલ્થ સેન્ટરમાં તપાસ કરતા એક પણ સ્લોટ ખાલી જોવા મળી રહ્યો નથી.