આણંદમાં 25 વર્ષની પરિણીતા 17 વર્ષના કિશોરને લઈને ભાગી, ત્યારબાદ થયું આવું…

પ્રતિકાત્મક તસવીર

આણંદ જિલ્લામાં 25 વર્ષની યુવતી 17 વર્ષનાં કિશોરને પોતાની પ્રેમજાળમાં ફસાવીને ભગાડીને લઈ જતા આંકલાવ પોલીસ દ્વારા યુવતીને કિશોર સાથે સુરતથી ઝડપી પાડવામાં આવી હતી. આ દરમિયાન યુવતી સામે પોસ્કો હેઠળ ગુનો દાખલ કરતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સામાન્ય રીતે મોટી વયનાં યુવકો સગીર વયની કિશોરીઓને ભગાડીને લઈ જતા બનાવો જોવા મળતા હોય છે. જ્યારે તેનાથી વિરૂદ્ધ મોટીવયની યુવતી પોતાની ઉમરથી 8 વર્ષ નાના કિશોરને ભગાડીને લઈ જતા આણંદ જિલ્લામાં યુવતી પર પોસ્કો હેઠળ કાર્યવાહી થનારો આ પ્રથમ કિસ્સો છે.

આંકલાવનાં બિલપાડ ગામનો આ 17 વર્ષનો કિશોર હઠીપુરા ગામની એક નર્સરીમાં નોકરી કરી રહ્યો હતો. તે દરમિયાન તેની સાથે નોકરી કરતી 25 વર્ષની ગાયત્રી સાથે પરિચય થતા બન્ને એક બીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. ત્યારબાદ તે ગઈ 27 મી મેનાં રોજ વહેલી સવારના કિશોર પોતાનાં ઘરેથી ગુમ થયો હતો. તેનાં પરિવારજનોએ નર્સરીમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, કિશોરને નર્સરીમાં કામ કરતી ગાયત્રી સાથે પ્રેમસબંધ હોવાનું તેમજ ગાયત્રી પણ નોકરી પર નહી આવી હોવાનું જાણવા મળતા કિશોરનાં પરિવારજનોએ ગાયત્રીના ઘરે તપાસ કરતા તે પણ ઘરે જોવા મળી નહોતી. તેના કારણે ગાયત્રી કિશોરને ભગાડીને લઈ ગઈ હોવાનું જાણ થતા જ કિશોરનાં પિતાએ આંકલાવ પોલીસ મથકે અપહરણની ફરિયાદ દાખલ કરી હતી.

આંકલાવ પોલીસે આ ગુનામાં તપાસ કરતા બન્ને પ્રેમી યુગલ સુરતમાં રહેતા હોવાની પોલીસને જાણકારી મળતા જ પોલીસે સુરત જઈને વરાછા વિસ્તારમાંથી ગાયત્રી અને કિશોરને પકડી લીધા હતા. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું કે, કિશોર પોતાનાં ઘરેથી પાંચ હજાર અને ગાયત્રી સાતથી આઠ હજાર રોકડ રકમ લઈને ઘરેથી ભાગી ગયા હતા. તેની સાથે વરાછા વિસ્તારમાં મકાન ભાડે રાખીને રહેવા લાગ્યા હતા. તેમજ ગાયત્રીએ મકાન માલિકને ત્રણ મહિનાનું ભાડું પણ એડવાન્સ ચૂકવી દીધું હતું. તે સિવાય કિશોર ત્યાં નોકરી પણ કરવા લાગ્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ યુવતીના અગાઉ બે વખત લગ્ન પણ થયા હતા જેમાં છૂટાછેડા થઈ ચૂક્યા છે અને તાજેતરમાં બોરસદ ખાતે તેની સગાઈ પણ કરવામાં આવી હતી. યુવતી પુખ્ત વયની હોવા છતાં તે સગીર વયના કિશોરને લઈને ભાગી હતી.

Scroll to Top