ઉમરપાડાના કોન્સ્ટેબલે માસ્ક બાબતે મહિલાને કારમા બેભાન કરી આચર્યું દુષ્કર્મ, પછી આ રીતે મહિલાને બ્લેકમેલ કરી વારંવાર દુષ્કર્મ આચર્યું

ઉમરપાડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ દ્વારા એક મહિલા પર દુષ્કર્મ આચાર્યાના સમાચાર સામે આવ્યા છે. ઉમરપાડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ નરેશ કાપડિયાએ વર્ષ 2020 માં પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન માસ્ક નહીં પહેરવા બાબતે 33 વર્ષની મહિલાને તેની સોસાયટી બહારથી પોલીસ સ્ટેશન જવું પડશે તેમ કહીને પોતાની કારમાં લઈ જઈ બેભાન કરીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ સિવાય કોન્સ્ટેબલ દ્વારા મહિલાના અશ્લીલ ફોટો મોબાઇલમાં પાડી લેવામાં આવ્યા અને અવારનવાર ફોટો બતાવી ભૂતપોરના ફાર્મ હાઉસ અને પલસાણાની કાઠિયાવાડી હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

જ્યારે મહિલા ગર્ભવતી બની જતાં આરોપીએ મહિલાનો ગર્ભપાત પણ કરાવી દીધો હતો. આરોપી કોન્સ્ટેબલે મહિલાને ધમકી પણ આપી હતી કે જો તું કોઈને આ વાત કહીશ તો ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી નાખીશ અને તારા પતિને ખોટા આરોપમાં ફસાવી નાખીશ. તેની સાથે તેના પતિને મારી નાખવાની ધમકી પણ આપી હતી. મહિલાએ કોન્સ્ટેબલ વિરુદ્ધ પલસાણા પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.

આ બાબતમાં કોન્સ્ટેબલની પત્નીએ પીડિત મહિલા અને તેના પતિ સામે એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરતા જણાવ્યું છે કે મહિલા મારા પતિને પ્રેમસંબંધ રાખવા દબાણ કરી રહી હતી. આ વાતને લઈને મહિલાએ અનેક વખત મારા પતિ સાથે ઝઘડો પણ કર્યો હતો. 7 મે 2021ના રોજ અમે બાઇક પર જતાં હતાં ત્યારે સોસાયટીની બહાર મહિલા અને તેના પતિએ ગાળાગાળી કરી જાતિવિષયક અપમાન પણ કર્યું હતું. મહિલાએ મારા પતિને નોકરીમાંથી કઢાવવા તેમજ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવાની ધમકી પણ આપી દીધી હતી.

થોડા મહિના પહેલા પલસાણા ચાર રસ્તા પરથી આરોપી કોન્સ્ટેબલ પત્ની સાથે કારમાં પસાર થઈ રહ્યો હતો તે સમયે ભોગ બનનાર મહિલાએ ટ્રાફિકમાં કોન્સ્ટેબલની કારને રોકી ઝઘડો પણ કર્યો હતો. ત્યાં આરોપી કોન્સ્ટેબલ, તેની પત્ની અને મહિલા વચ્ચે જાહેરમાં છૂટા હાથની મારામારી પણ થઈ હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ પણ થયો હતો.

Scroll to Top