WTC Final: ઇશાંત શર્માએ ઇંગ્લેન્ડની ધરતી પર રચ્યો ઈતિહાસ, કપિલ દેવના રેકોર્ડને તોડ્યો

ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની વચ્ચે રમાઈ રહેલી WTC Final માં ઇશાંત શર્મા કમાલ જોવા મળી રહ્યો છે. ઇશાંત શર્માએ ત્રીજા દિવસની રમત સમાપ્ત થયા પહેલા ભારતને કોન્વેના રૂપમાં ખૂબ જ મહત્વપૂર્ણ સફળતા અપાવી હતી. તેની સાથે જ ઇશાંત શર્મા ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવનો રેકોર્ડ તોડી ભારત તરફથી ઇંગ્લેન્ડમાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયા છે.

ભારતીય ટીમને 217 રન પર ઓલઆઉટ કર્યા બાદ ન્યુઝીલેન્ડના ઓપનર ડેવિડ કોન્વે ભારતની મુશ્કલીઓ વધારી દીધી છે. ડેવિડ કોન્વેએ શાનદાર ફોર્મને ચાલુ રાખતા પોતાની ટેસ્ટ કારકિર્દીની ત્રીજી મેચમાં ત્રીજી અડધી સદી ફટકારી હતી. કોન્વે મોટી ઇનીગ વધી રહ્યા હતા તે સમયે ઇશાંત શર્માએ કોન્વેને શમીના હાથે કેચ આઉટ કરાવી ભારતને મોટી રાહત અપાવી હતી.

ડેવિડ કોન્વેની વિકેટ પ્રાપ્ત કરવાની સાથે જ ઇંગ્લેન્ડમાં ઇશાંત શર્માની વિકેટોની સંખ્યા 44 થઈ ગઈ હતી. આ અગાઉ ઇંગ્લેન્ડમાં કપિલ દેવે 43 ટેસ્ટ વિકેટ પ્રાપ્ત કરી હતી અને તે ઇંગ્લેન્ડમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર હતા. હવે આ રેકોર્ડ ઇશાંત શર્મા પોતાના નામે કરવા સફળ રહ્યા હતા. ઇંગ્લેન્ડની ધરતી પર ઇશાંત શર્મા 13 મી ટેસ્ટ મેચ રમી રહ્યા છે.

ઇંગ્લેન્ડમાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ પ્રાપ્ત કરવાની બાબતમાં ભારતના ભૂતપૂર્વ સ્પિનર અનિલ કુંબલે ત્રીજા સ્થાન પર છે. અનિલ કુંબલેએ 10 ટેસ્ટમાં 36 વિકેટ લીધી છે. બિશન સિંહ બેદી ૩૫ વિકેટ લેનાર ચોથા અને ઝહિર ખાન 31 વિકેટ લઈને પાંચમાં સ્થાન પર છે.

તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમે ડબ્લ્યુટીસી ફાઈનલમાં પ્રથમ બેટિંગ કરતા 217 રન બનાવ્યા છે. ન્યુઝીલેન્ડે તેના જવાબમાં ત્રીજા દિવસની રમત સમાપ્ત થયા દરમિયાન બે વિકેટે 101 રન બનાવી લીધા છે. ન્યુઝીલેન્ડ ભારતના સ્કોરથી ૧૧૬ રન પાછળ છે અને તેમની હજુ પણ 8 વિકેટ બાકી છે.

Scroll to Top