અમદાવાદ: બાપુનગર વિસ્તારમાં લવ ટ્રાયએંન્ગલમાં પોલીસ કોન્સ્ટેબલની કરપીણ હત્યાનો બનાવ સામે આવ્યો છે. દારૂની મહેફિલ સમયે અવૈદ્ય સંબંધોને પગલે દોસ્તી પર પ્રેમ ભારે પડ્યો હોય તેમ કોન્સ્ટેબલ અને તેના મિત્ર વચ્ચે છરી સાથે લોહિયાળ જંગ ખેલાયો હતો. લોહિયાળ જંગમાં પોલીસ કોન્સ્ટેબલનું મોત નિપજ્યું હતું.
બાપુનગરના સોનેરિયા બ્લોક પાછળનો બનાવ
પ્રણય ત્રિકોણમાં પોલીસ જવાનની હત્યાની ઘટના સામે આવી છે. બાપુનગર વિસ્તારમાં આવેલા સોનેરીયા બ્લોક પાછળ આવેલા કારખાનામાં કોન્સ્ટેબલ ઉમેશ ખાંડે અને રવિન્દ્ર તેમના અન્ય મિત્રો સાથે દારૂ ની મહેફીલ માણતા હતા. તે સમયે અન્ય મહિલા સાથેના બંનેના પ્રેમ સંબંધને લઇ તકરાર થઈ હતી અને બંને વચ્ચે લોહીયાળ જંગ ખેલાયો હતો. કોન્સ્ટેબલ ઉમેશ અને રવિ એ એકબીજા પર છરીઓ વડે હુમલો કર્યો હતો. જેમાં કોન્સ્ટેબલ ઉમેશનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
કોન્સ્ટેબલ હેડક્વાટરમાં ફરજ બજાવતો અને વસ્ત્રાલ રહેતો
મૃતક કોન્સ્ટેબલ ઉમેષ ખાંડે વસ્ત્રાલ ખાતે રહેતો હતો અને હેડક્વાટરમાં ફરજ બજાવતો હતો. આરોપી રવિન્દ્રના બહેનની નણંદ સાથે કોન્સ્ટેબલ અને રવિન્દ્રને અવૈદ્ય સંબંધો હતા. ગઈકાલે રાત્રે કોન્સ્ટેબલ અને રવિન્દ્ર અન્ય મિત્રો સાથે દારૂની મહેફિલ માણવા બેઠા હતા તે જ સમયે બંને વચ્ચે આ યુવતી સાથેના સબંધને લઈને તકરાર થઈ અને બંને એ એકબીજા પર છરીઓ વડે હુમલો કર્યો હતો. જેમાં રવિન્દ્ર પણ ઇજાગ્રસ્ત થયો હતો જ્યારે કોન્સ્ટેબલ ને વધુ ઇજા થતાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
દોસ્તીને પ્રેમસંબંધોએ પૂરી કરી
કોન્સ્ટેબલ ઉમેશ અને રવિન્દ્ર મિત્રો હતા અને પ્રણય ત્રિકોણ ના કારણે બંને વચ્ચે આખરે કોન્સ્ટેબલ એ પ્રેમમાં હોમાવું પડ્યું હતો. બાપુનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.