દીકરાના મોહમાં સમાજમાં ધીમે-ધીમે દીકરાઓની સામે દીકરીઓની સંખ્યાની ઉણપ જોવા મળી રહી છે. જ્યારે સમાજ અને વિસ્તારોમાં હાલત એવી થઈ ગઈ છે કે અનેક યુવકોને લગ્ન માટે કન્યા મળી રહી નથી. આ જ કારણોસર સૌરાષ્ટ્રના અનેક યુવકોના લગ્ન દાહોદ-ગોધરા બાજુ કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં તેમાંથી મોટાભાગના કિસ્સામાં યુવતી થોડો સમય સાથે રહ્યા બાદ રૂપિયા અને ઘરેણા લઈને ભાગી જતી હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે.
જ્યારે સૌરાષ્ટ્રમાં આજકાલ લગ્ને લગ્ને કુંવારી એવી લૂંટેરી દુલ્હનના કિસ્સા સામે આવી રહ્યા છે. તેમાં પણ મોટી ઉંમર સુધી લગ્ન ન થયા હોય તેવા યુવકોને શિકાર બનાવવામાં આવી રહ્યા છે. ગીર-સોમનાથ પંથકથી વધુ એક આવો કિસ્સા સામે આવ્યો છે. તેમ છતાં આ વખતે વર પક્ષના લોકોને શંકા થતા જ લૂંટેરી દુલ્હન સહિતની ટોળકી પોલીસ દ્વારા પકડાઈ દેવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ઉનાના નાળિયેરી મોલી ગામના રમેશભાઇ હરીભાઇ રાખોલિયાએ પોતાના પુત્ર હિતેષ ના લગ્ન કરવાના હોવાના કારણે કાકડી મોલી ગામમાં રહેનાર વિનુભાઇ રાઠોડને જણાવ્યું હતું. ત્યાર બાદ તમામ લોકો કન્યા જોવા માટે રાજકોટ ચાલ્યા ગયા હતા. અહીં સપના નામની એક યુવતી સાથે હિતેષની મુલાકાત કરાવવામાં આવી હતી. હિતેષ અને સપનાએ એકબીજા સાથે વાતચીત પણ કરી હતી અને વાત આગળ ચાલી રહી હતી. ત્યાર બાદ સગાઈની વાત પણ કરવામાં આવી હતી.
રાજકોટમાં મુલાકાત દરમિયાન બંને પક્ષ વચ્ચે લેવડ દેવડની વાત કરવામાં આવી હતી. ત્યારબાદ હિતેશે સપનાને લગ્નની ખરીદી માટે રોકડા 41 હજાર રૂપિયા પણ આપ્યા હતા. આ ઉપરાંત લગ્ન વખતે બે લાખ રૂપિયા અને દાગીના આપવાની વાત કરાઈ હતી. ત્યાર બાદમાં 21 જૂને ઉના કોર્ટમાં લગ્ન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેમ છતાં લગ્ન પહેલા જ લૂંટેરી દુલ્હન અને તેના કેટલાક વર પક્ષના લોકો ગાડી ભાડે રાખીને ઉના આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ તમામ લોકો વકીલ પાસે ગયા હતા.
કન્યા તેમજ વર પક્ષના લોકો કોર્ટમાં લગ્ન માટે જરૂરી દસ્તાવેજો આપીને ચાલ્યા ગયા હતા. આ દરમિયાન વકીલને શંકા થઈ હતી. જેના કારણે તપાસ કરતા તમામ પુરાવા ખોટા નીકળી આવ્યા હતા. બાદમાં પોલીસને આ અંગેની જાણ કરાઈ હતી. બીજી તરફ કન્યા પક્ષે 21ના બદલે 23 તારીખે આવવાની વાત કરી દીધી હતી. તેની સાથે જ બે લાખ રૂપિયા રોકડા અને ઘરેણા તૈયાર રાખવાનું જણાવ્યું હતું. 23 જૂનના તમામ લોકો કોર્ટમાં આવી પહોંચતા સાદા ડ્રેસમાં રહેલી પોલીસે તમામની ધરપકડ કરી લીધી હતી. ત્યાર બાદ વરરાજાની ફરિયાદના આધારે લૂંટેરી દુલ્હન સહિત નવ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.