મુઝફ્ફરનગરનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આ કેસમાં પોલીસ દ્વારા 50 વર્ષની મહિલા અને તેના 25 વર્ષના પ્રેમી સામે ફરિયાદ દાખલ કરવાની સાથે તેમની ધરપકડ પણ કરાઈ છે. જ્યારે પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે, પ્રેમી-પ્રેમિકામાં સાસુ અને જમાઈનો સંબંધ રહેલો છે. તેમની આ હરકતના કારણે તેમના પરિવારજનો અને સમાજમાં પણ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. આ કારણોસર કાયદા-વ્યવસ્થામાં કોઈ મુશ્કેલી ના પહોંચે તેના કારણે પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે.
જ્યારે આ પ્રેમીપંખીડા એટલે સાસુ અને જમાઈ 10 મહિના પહેલા ઘરેથી ભાગી ગયાં હતાં, અને ગઈ કાલે પરત આવી ગયા હતા. તેમની જાણ થતાં જ પોલીસે તેમની સામે કલમ 151 હેઠળ કેસ દાખલ કર્યો અને જેલના લોકઅપમાં પૂરી દીધા હતા. આ કલમ હેઠળ પોલીસ દ્વારા જાહેર સલામતી અને કાયદા વ્યવસ્થાને જાળવી રાખવા માટે મેજિસ્ટ્રેટના વોરંટ વગર કોઈપણની ધરપકડ કરી શકાય છે. આ ઘટના ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાની છે.
આશ્વર્યચકિત કરનારી વાત એ છે કે, જમાઈ જોડે ભાગી ગયેલી મહિલાના દીકરાના ઘરે પણ બે બાળકો રહેલા છે. તેમ છતાં તે પોતાનાથી અડધી ઉંમરના જમાઈના પ્રેમમાં પડી ગઈ હતી. જ્યારે તેમનો ભાંડો ફુટી જતાં ભારે બોલાચાલી થઈ હતી. ઘરના લોકોએ પણ આ સંબંધોનો વિરોધ કરતાં આખરે જમાઈ અને સાસુ નાસી છૂટ્યા હતાં. તે 10 મહિના બાદ તેઓ ઘરે પરત ફર્યા ત્યારે પણ ભારે બોલાચાલી થઈ હતી. જેની જાણકારી મળતા જ પોલીસની એક ટીમ તેમના ગામડે પહોંચી ગઈ અને બંને જણને કસ્ટડીમાં લઈ લીધા હતા.
આ બાબતમાં સ્થાનિક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ જિતેન્દ્ર તેવટિયાના જણાવ્યા મુજબ, આ બાબતમાં બે જૂથ વચ્ચે અથડામણ થવાની શક્યતાઓને જોતા કપલની સામે કેસ દાખલ કરી તેને જેલભેગું કરાયું હતું. હાલ આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.