અન્નદાતા પર દંડા, ટિયરગેસ: ગાંધી જયંતીએ સરકારનો અહિંસા દિવસ, આજે આરપારની લડાઈ

દેવામાફી, પેન્શન અને ઉપજના યોગ્ય ભાવ સહિત અન્ય માગો અંગે પગપાળા દિલ્હી પહોંચેલા ખેડૂતોને પોલીસે સરહદ પર જ અટકાવી દીધા. ‘કિસાનક્રાંતિ યાત્રા’માં જોડાયેલા અંદાજે 30 હજાર ખેડૂતોએ મંગળવારે ટ્રેક્ટરો અને અન્ય વાહનો સાથે દિલ્હીની સરહદમાં બેરિકેડ હટાવી ઘૂસવાનો પ્રયાસ કર્યો, ત્યાર બાદ પોલીસે તેમના પર પાણીનો મારો કરવાની સાથે લાઠીચાર્જ કર્યો. ટિયરગેસ પણ છોડ્યા અને હવામાં ગોળીબાર પણ કર્યો. આ દરમિયાન 7 પોલીસ કર્મચારી અને 36 જેટલા ખેડૂતોને ઇજા થઈ હતી. ગાઝિયાબાદમાં બુધવારે સ્કૂલ-કોલેજ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.

30 હજાર ખેડૂતોને દિલ્હીમાં ઘૂસતાં અટકાવ્યા

ગાઝિયાબાદ-દિલ્હી સરહદ પર પોલીસે પહેલાથી જ બેરિકેડ લગાવી દીધા હતા. જગ્યા-જગ્યાએ કલમ 144 લગાવાઈ હતી. ઈજાગ્રસ્ત ખેડૂતોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કોંગ્રેસ સહિત વિપક્ષે ગાંધી જયંતી પર ખેડૂતો વિરુદ્ધ પોલીસની બર્બર કાર્યવાહી કરાવવાનો કેન્દ્ર પર આરોપ મૂક્યો.અગાઉ પૂર્વીય દિલ્હીમાં દિલ્હી પોલીસના પૂર્વી રેન્જના જોઈન્ટ સીપીએ લાઉડસ્પીકર પરથી માહિતી આપી કે 8,000 ખેડૂત યુપી ગેટ તરફ વધી રહ્યા છે.

દિલ્હી સાથે યુપીના ગાઝિયાબાદ અને નોઈડામાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો ખડકી દેવાયા હતા. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ અને કૃષિ રાજ્યમંત્રી જી. એસ. શેખાવતે ખેડૂત પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી. તેમાં યુપીના મંત્રી લક્ષ્મી નારાયણ અને સુરેશ રાણા પર હાજર હતા.

ઉત્તરપ્રદેશથી દિલ્હી જતા મુખ્ય હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો

ખેડૂતોના દેખાવો ખતમ કરવા સરકારે જાહેરાત કરી કે મુખ્યમંત્રીઓની સમિતિ તેમની માગણીઓ ધ્યાનમાં લેશે. પરંતુ ખેડૂતોએ કહ્યું તેઓ માત્ર આશ્વાસનથી સંતુષ્ટ નથી. અગાઉ સોમવારે રાતે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ખેડૂત નેતાઓ સાથે મુલાકાત કરી પ્રવાસ કેન્સલ કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નહીં.

ભારતીય ખેડૂત યુનિયનના બેનર હેઠળ ખેડૂતોએ 21 મુદ્દાઓની માગણી સરકાર પાસે મનાવવા માટે હરિદ્વારના ટિકેત ઘાટથી 23 સપ્ટેમ્બરે કિસાન-ક્રાંતિ યાત્રા શરૂ કરી હતી. તેમાં યુપીના વિવિધ ભાગોમાંથી ખેડૂતો જોડાતા ગયા. આ લોકો પગપાળા, બસોમાં અથવા ટ્રેક્ટર ટ્રોલીઓમાં સવાર થઈ મંગળ‌વારની સવારે રાજધાની દિલ્હીની સરહદે પહોંચ્યા. આથી ઉત્તરપ્રદેશથી દિલ્હી જતા મુખ્ય હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો.

ખેડૂતોની મુખ્ય માગણીઓ

ખેડૂતો માટે લઘુત્તમ આવક નિશ્ચિત થાય. 60 વર્ષથી વય બાદ ખેડૂતોને માસિક 5,000નું પેન્શન મળે. વડાપ્રધાન પાક વીમાયોજનામાં ફેરફાર કરવામાં આવે. પૂર્ણ દેવામાફી અને વીજળીનો ભાવવધારો પાછો ખેંચાય. ખેડૂતોને સિંચાઈ માટે મફત વીજળી અપાય.

  • દિલ્હી-એનસીઆરમાં 10 વર્ષથી વધુ જૂનાં ટ્રેક્ટરો પરનો પ્રતિબંધ દૂર થાય.
  • કિસાન ક્રેડિટકાર્ડ યોજનામાં વ્યાજ વિનાની લોન અપાય.
  • મહિલા ખેડૂતો માટે ક્રેડિટકાર્ડ યોજના અલગથી બને.
  • આત્મહત્યા કરનારા ખેડૂતોના પરિવારજનોને નોકરી અને પરિવારનું પુનર્વસન થાય.
  • સ્વામીનાથન સમિતિની ફોર્મ્યુલા લાગુ થાય.
  • બધા જ પાકની સંપૂર્ણ ખરીદીની ગેરન્ટી મળે.
  • રખડતાં પશુઓથી પાક બચાવવાની વ્યવસ્થા થાય.
  • ખેતીમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓને જીએસટીથી મુક્ત કરવામાં આવે.
  • 7થી 10 દિવસમાં શેરડીના ખેડૂતોની ચુકવણી સુનિશ્ચિત થાય.

ખેડૂતોને પેન્શન એન શેરડીની બાકી ચુકવણી કરવામાં આવે.

અમને યુપી-દિલ્હી સરહદ પર શા માટે રોકવામાં આવ્યા છે? શાંતિપૂર્ણ રીતે રેલી કરાઈ રહી છે. અમે અમારી સમસ્યા સરકારને નહીં જણાવીએ તો કોને જણાવીશું? શું અમે પાકિસ્તાન અથવા બાંગ્લાદેશ જઈએ? :નરેશ ટિકૈત, અધ્યક્ષ, બીકેયુ

મહાત્મા ગાંધીની જયંતી પર મોદી સરકારે બતાવી દીધું કે તે આઝાદી પહેલાંના અંગ્રેજ શાસકો જેવી જ છે. : રણદીપ સુરજેવાલા, પ્રવક્તા, કોંગ્રેસ

ખેડૂતોને અપાયેલાં વચનો પૂરાં કરાયાં નથી. એવામાં એ સામાન્ય વાત છે કે ખેડૂતો દેખાવો કરશે. : અખિલેશ યાદવ, ભૂતપૂર્વ સીએમ, ઉત્તરપ્રદેશ

સરકારે કહ્યું- માંગણી સ્વીકારી, ખેડૂત નેતાએ કહ્યું- મંજૂર જ નથી

ખેડૂત નેતાએ કહ્યું- દિલ્હી જતાં રોક્યા, શું અમે પાકિસ્તાન જઈશું?

રાહુલનું રાજકારણ, હિંસા સાથે સરકારે ગાંધી જયંતી ઉજવી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top