સુરતમાં છેલ્લા પાંચ દિવસમાં દુષ્કર્મની ચાર ઘટનાઓ સામે આવી છે. સ્માર્ટ સીટી ગણાતું સુરત શહેર ક્રાઈમ સીટી બનતું જઈ રહ્યું છે. ખૂબસુરત સુરત ગુનાખોરીના ગ્રાફને કારણે બદસુરત બનતું જઇ રહ્યું છે. ગુરુવારે વધુ એક માસૂમ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. ભટાર વિસ્તારમાં 24 વર્ષિય યુવકે 13 વર્ષની તરૂણી પર પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ સગીરાના પરિવાજનોએ લગાવ્યો છે.
મળતી માહિતી અનુસાર સુરતના ભટાર વિસ્તારમાં એક તરુણી પર દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવી છે. પાડોશમાં રહેતા યુવકે તરુણી પર દુષ્કર્મ આચર્યુ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યા છે. આ બનાવમાં પરિવારજનોએ પોલીસ મથકે જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. યુવકની ધરપકડ કરી પીપલોદ વિસ્તારમાં પોલીસે જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો.
પાંચ વર્ષની માસૂમ સાથે નરાધમોએ આચર્યુ દુષ્કર્મ
સુરતના ડીંડોલી વિસ્તારમાં પાંચ વર્ષની માસૂમ બાળકી પર નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ સુરત આવેલા રાજ્યના મુખ્ય પ્રધાને પણ દુઃખ વ્યક્ત કરી દોષી આરોપીઓને કડકથી કડક સજા અપાવવાની વાત કરી હતી. ડીંડોલી વિસ્તારમાં ચોવીસ કલાકમાં પાંચ વર્ષની માસુમ બાળકીઓ પર નરાધમો દ્વારા પિશાચી કૃત્ય આચરવામાં આવ્યું હતું.જેમાં એક આરોપીની પોલીસે ધરપકડ પણ કરી લીધી છે. સિવિલમાં સારવાર દરમિયાન બાળકી ભાનમાં આવતાં ભેદ ઉકેલાયો હતો. જ્યારે અન્ય એક કેસમાં આરોપી હજી પોલીસ પકડથી દૂર છે.
સગા ભાઈએ બહેન પર આચર્યુ દુષ્કર્મ
આ સાથે ડીંડલી વિસ્તારમાં અન્ય એક ઘટનામાં પણ એક સગા ભાઈએ બહેન પર દુષ્કર્મ આચર્યુ હતું. આ ઘટવામાં પોલીસે સગાભાઈની અટકાયત કરી હતી. મુખ્ય પ્રધાનના નિવેદન બાદ સુરત પોલીસ પણ હરકતમાં આવી છે. જ્યાં સુરત પોલીસ કમિશનરે જાતે જ ઘટના સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.
બાર વર્ષની સગીરા પર દુષ્કર્મ
સુરતના અઠવા વિસ્તારની વાત કરીએ તો એક બાર વર્ષની સગીરા પર બળાત્કાર થયાની ઘટના સામે આવી હતી. આરોપીએ સગીરા પર એક વાર નહીં પરંતુ ત્રણ-ત્રણ વાર દુષ્કર્મ આચર્યું છે. આ કેસમાં આરોપી સગીરાના ભાઈ અને માતાને જાનથી મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યુ હતુ. ઘટનાની જાણ સગીરાએ તેના પરિવારને કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો. ત્યાર બાદ સગીરાના પરિવારે સુરતના અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી અન વધુ પૂછપરછ હાથ ધરી છે.