સુરતના ઉદ્યોગપતિ અને આપના નેતા મહેશ સવાણી દર વર્ષે પિતાની છત્રછાયા વિહોણી દીકરીઓના સમૂહ લગ્નોત્સવનો મોટાપાયે આયોજન કરે છે. જ્યારે આ વર્ષે ચૂંદડી મહિયર નામના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે. આ વર્ષે મહેશ સવાણી 300 દિકરીઓના લગ્ન કરાવવાના છે. આગામી 4 અને 5 ડિસેમ્બરના શનિવાર અને રવિવારના રોજ આ સમૂહ લગ્નોત્સવનો આયોજન કરાશે.
પી.પી. સવાણી પરિવાર દ્વારા વર્ષ 2008થી અલગ-અલગ રાજ્યો, જ્ઞાતિ અને ધર્મની બેસહારા દીકરીઓના સમૂહ લગ્ન કરાવવાનું આયોજન કરાય છે. આ સમૂહ લગ્નોત્સવનું આયોજન દર વર્ષે અબ્રામામાં કરાય છે. આ વર્ષે 4 અને 5 ડિસેમ્બરના રોજ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે. જ્યારે ખાસ વાત એ છે કે, આ સમૂહલગ્નોત્સવમાં સામેલ થનારો ઘણી દીકરીઓના માતા-પિતા પણ નથી. આ સિવાય સમૂહ લગ્નોત્સવની તૈયારીને લઇને શનિવારના રોજ એક બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં 240 દીકરીઓ તેમની માતા અને પરિવારના અન્ય સંબંધીઓ સાથે હાજરી રહી હતી.
સમૂહ લગ્નોત્સવના આયોજક મહેશ સવાણીએ કહ્યું હતું કે, આ વર્ષે 300 દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કોરોનાના સંક્રમણની સ્થિતિ વચ્ચે સરકારની ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરાશે. એક સાથે લગ્ન સંભવ થાય નહીં થાય તો તમામ દીકરીના લગ્ન તેમના ઘરે જ કરાવવામાં આવશે. આ કોઈ રાજકીય કાર્યક્રમ રાખવામાં આવ્યો નથી. દર વર્ષની જેમ આ વખતે પણ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓના સમૂહ લગ્નોત્સવમાં બોલાવવામાં આવશે. લગ્નમાં આવનારા તમામ નેતાઓનું સ્વાગત કરાશે.
પી.પી. સવાણી ગ્રુપની સાથે જોડાયેલી રિદ્ધિ પટેલે કહ્યું હતું કે, સમૂહ લગ્નોત્સવની તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. શનિવારના રોજ મળેલી બેઠકમાં હાજર રહેલી દીકરીઓ માતા-પિતાની યાદ આવી જતા ભાવુક થઇને રડવા લાગી હતી. જેના કારણે અન્ય લોકો પણ ભાવુક થઇ ગયા હતા. સંસ્થા દ્વારા તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે, દીકરીઓને તેમના પિતા અથવા તો માતા-પિતાની ખોટ ન વર્તાય શકે. એટલે જ સમૂહ લગ્નોત્સવમાં ઘરે થનારા તમામ રીવાજોને અનુસરાશે. આ રીવાજોમાં દીકરીના પરિવારના સભ્યો અને સંબંધીઓને પણ સામેલ કરાશે.
જ્યારે પિતા વિહોણી દીકરીઓનું માત્ર સમૂહ લગ્ન દરિમયાન જ નહીં પરંતુ લગ્ન પછી પણ ઘણું ધ્યાન પણ રાખવામાં આવે છે. તેમને મેડીકલ સહાય પણ અપાય છે. આ સિવાય મુશ્કેલીના સમયમાં પી.પી. સવાણી ગ્રુપ તેમની પડખે ઉભું પણ રહે છે. મહેશ સવાણી પાલક પિતા તરીકે દીકરીઓની જવાબદારી ઉઠાવતા હોય છે. એટલે જ લોકો મહેશ સવાણીને લોકો પપ્પાના હુલામણા નામથી ઓળખે છે.