શનિવારે મધ્યપ્રદેશના જબલપુરમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના રોડ શો દરમિયાન કંઇક એવુ થયું કે અચાનક બધા ગભરાઇ ગયા. રાહુલ ગાંધી જ્યારે મિની બસમાં હતા ત્યારે તેમનાથી થોડા જ અંતરે અચાનક આગ લાગી હતી. એકદમ તો કોઇ જ સમજી ન શક્યું કે શું થયું છે.
રાહુલ ગાંધી જ્યારે મિની બસમાં હતા ત્યારે તેમનાથી થોડા જ અંતરે બ્લાસ્ટ થયો હતો.
જોકે, રાહુલ ગાંધીની આરતી ઉતારવા માટે થાળી લાવવામાં આવી હતી. તેની પાસે ગેસ ભરેલા ફુગ્ગા મુકવામાં આવ્યાં હતાં. આરતીની થાળીની આગ જેવી ફુગ્ગા પર લાગી કે તરત જ તે ફૂટવા લાગ્યા અને મોટી આગ લાગી.
આ ઘટનાને રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક પણ મનાઇ રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘ધડાકો ખૂબ નાનો અને સામાન્ય હતો.’ રોડ શો પહેલાં રાહુલ ગાંધીએ જબલપુરની પાસે ગ્વારી ઘાટ પર નર્મદા પૂજા પણ કરી હતી. રાહુલ ગાંધીની સાથે એમપી કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથ અને કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર હતા.
શનિવારના દિવસે જ રાહુલ ગાંધી એક દિવસની મધ્યપ્રદેશ મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે મુરૈનામા જનસભાને સંબોધી હતી. આ દરમ્યાન તેમણે પીએમ મોદી પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે હિન્દુસ્તાનમાં ભ્રષ્ટાચાર જમીનમાં થયો છે અને તેનું નુકસાન ખેડૂતો ઉઠાવે છે. તેમણે કહ્યું કે અમે પ્રજાના અધિકારની લડાઇ લડી રહ્યાં છીએ.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે ગાંધીજી હિંદુસ્તાનની આઝાદી માટે અંગ્રેજો સાથે લડ્યા હતાં. તેમનો હેતુ હતો કે તેમને હક મળશે. અંગ્રેજોના ગયા પછી મોટા નિર્ણયો લેવાયા. ઘણી પ્રગતિ થઇ. વોટનો અધિકાર આપવામાં આવ્યો. સંવિધાન બન્યું. આજે આપણને જે પણ અધિકારો મળે છે તે સંવિધાનને કારણે મળે છે.