કાયદાના રક્ષક જ ભક્ષક બનીને પત્નીની ઠંડે કલજે હત્યા કર્યા બાદ લાશ પર જીવલેણ પદાર્થ નાખીને સળગાવી નાખવાના ગુનામાં PI અજય દેસાઈની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આઘાતજનક બાબત એ રહી છે કે, પીઆઈએ સ્વીટીના બર્થ-ડે પર તેને ગિફ્ટમાં કાર આપી હતી.
આ કારમાં જ સ્વીટીની લાશને નાખીને નિકાલ કરવા તે ચાલ્યો ગયો હતો. તેમ છતાં સ્વીટીને ભેટમાં આપેલી કાર બીજાના નામે નીકળતા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા તેની પણ તપાસ ચાલુ રાખવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ૨૬ મીના રોજ આરોપી પીઆઈ અજય દેસાઈ અને કિરીટસિંહ જાડેજાને વડોદરાની કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ દ્વારા તપાસમાં સામે આવ્યું છે કે, બે પત્નીઓ ગર્ભવતી હોવાથી કોને સાચવવી તે બાબતે ઘરમાં ઝઘડા થઈ રહ્યા હતા. જેના કારણે મોડલ સ્વીટીની હત્યા કરવાનું મન પીઆઈ અજય દેસાઈ દ્વારા બનાવી લેવામાં આવ્યું હતુ. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જુદી-જુદી ટીમો બનાવીને દહેજ પાસેના અટાલી અને તેના આજુ-બાજુના સીસીટીવી ફુટેજ, પીઆઈ અજય દેસાઈ, તેના મિત્ર કિરીટીસિંહ જાડેજા અને મૃતક સ્વીટી પટેલના મોબાઈલના ચેટીંગ સહિતની પુરાવા એકઠા કરી લેવામાં આવ્યા હતા.
પીઆઈ અજય દેસાઈની સતત આઠ કલાક સુધી પુછપરછ કર્યા બાદ એક પછી એક પુરાવા તેની સામે મૂકી દેવામાં આવ્યા હતા. આ કારણોસર પીઆઈ અજય દેસાઈ ભાંગી પડયા હતા. કિરીટસિંહે પોલીસને જણાવ્યું હતું કે, મને એવું કહ્યું હતું કે, મારી બહેન કુંવારી છે અને તે હાલ ગર્ભવતી બની છે. જેથી મે તેની હત્યા કરી છે. સમાજમાં બદનામી થતી હોવાના કારણે તેને હવે સળગાવી પડે તેમ છે. આમ કહીને સ્વીટીની લાશને સળગાવી દીધી હતી.
વડોદરા પોલીસની હોટલની પાછળથી હાડકા મળ્યા હતા. જે તે સમયે પોલીસે સુરતની સિવિલ હોસ્પિટલમાં તપાસ કરાવતા માનવના હાડકા હોવાનું સામે આવ્યુ હતુ. તેમ છતાં વડોદરા પોલીસે તેની કોઈ જ ઉંડાણપૂર્વકની તપાસ નહોતી કરી. એફએસએલમાં પણ હત્યા કરીને માનવને સળગાવી દીધા હોવાનું સામે આવ્યુ હતુ.
આરોપી PI દેસાઈ દ્વારા 2016 માં સ્વીટી પટેલ સાથે મંદિરમાં લગ્ન કરવામાં આવ્યા હતા. બાદ 2017 માં પાયલ નામની અન્ય યુવતી સાથે લગ્ન પણ કર્યા હતા. સ્વીટી સાથે બે વર્ષનું બાળક સુતેલી હતું તે સમયે અજયે સ્વીટીનું ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ સ્વીટીની લાશનો નિકાલ કરવા માટે ઘી-ખાંડ તથા જવલનશીલ પદાર્થ મંગાવીને હોટલની પાછળ સળગાવી નાખી હતી. સ્વીટીની લાશ સળગતા અઢી કલાક જેટલો સમય લાગતા અજય ત્યાં બેસી મોબાઈલમાં લાઈવ લોકેશન રાખીને બેઠો રહ્યો હતો.. આ દરમિયાન હોટલની આગળના ભાગે કીરીટસિંહ જાડેજા દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યું હતું.
પત્નીની લાશ સળગાવી ત્યા સુધી આરોપી અજય દેસાઈ દ્વારા લાઈવ લોકેશન ચાલુ રાખવામાં આવ્યું હતું. તેને મદદ કરનાર કીરીટસિંહ જાડેજા પાસેથી લાઈવ લોકેશન મંગાવવામાં આવ્યું હતુ. પોલીસને આ મહત્વના પુરાવા મળ્યા હતા.