સ્વીટી પટેલની હત્યા માટે મહિના પહેલાથી જ ઘડવામાં આવ્યો હતો પ્લાન, આ રીતે થયો ખુલાસો

વડોદરાના કરજણ ખાતેની પ્રયોશા સોસાયટીમાં પીઆઈ અજય દેસાઇએ લગ્ન કરીને પત્ની બનાવેલી સ્વિટી પટેલનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. આ હકીકત સામે આવતા રાજ્યમાં ચકચાર મચી ગયો હતો. ગઇકાલના સોમવારના રોજ પીઆઈ અને પીઆઇને હત્યા બાદ લાશ ઠેકાણે પાડવા મદદ કરનાર કિરીટસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરી પોલીસ દ્વારા વધુ તપાસ માટે બંનેના 11 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા છે. આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચની તપાસમાં અનેક ખુલાસાઓ પણ કરવામાં આવ્યા છે. જેમાં સામે આવ્યું છે કે, અજયે પોતાની પત્નીને મારવાનો પ્લાન એક મહિના પહેલા જ અગાઉ ઘડ્યો હતો.

સમગ્ર કેસની વિગત આ પ્રકાર છે, તારીખ 4 જૂનની રાત્રના વડોદરા જિલ્લાના પીઆઇ અજય દેસાઇએ પત્ની સ્વિટી સાથે ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ આવેશમાં આવીને અજયે સ્વિટીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. બીજા દિવસની રાત્રીના લાશને ભરૂચ-દહેજરોડ પર અટાલી ગામ નજીક એક અવાવરુ હોટલની પાછળના ભાગે સ્વિટીની લાશને સળગાવી નાખી હતી. આ હકીકત સામે આવતા જ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પીઆઇ અજય અમૃતભાઇ દેસાઇ અને પીઆઇને મદદ કરનાર કોંગ્રેસ અગ્રણી કિરીટસિંહ દોલુભા જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, બનાવના એક મહિના પહેલા જ અજય દેસાઇ કિરીટસિંહને મળ્યો ત્યારે તેણે કહ્યું હતું કે, અમદાવાદમાં રહેનારી તેમની બહેનને સમાજના પરિણીત વ્યક્તિ સાથે શારીરિક સંબંધથી 3 થી 4 મહિનાનો ગર્ભ રહ્યો છે. આ કારણોસર પરિવારના લોકો બહેનનો નિકાલ કરવાનું માંગી રહ્યા છે. ભવિષ્યમાં જરૂર પડે તો તમે મદદ કરજો.

આ તમામ માહિતી કિરીટસિંહ દ્વારા પોલીસને જણાવવામાં આવી હતી. જેના પરથી અનુમાન લગાવવામાં આવી શકે છે, હત્યા માટે અજય દેસાઇ પહેલાથી જ પ્લાન ઘડી રહ્યા હતા. તેની સાથે લાશ સળગાવવા ડીઝલ ઉપરાંત એવરેજ વધારવા વપરાતું ડબ્લ્યુ ફ્યુઅલ વાપર્યું હોવાનો ઘટસ્ફોટ પણ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચના પીઆઇ હત્યાના કેસમાં પીઆઇ દેસાઇ અને તેમના મિત્ર કિરીટસિંહ જાડેજાને લઇને કરજણ આવી ગયા હતા. બંનેને કરજણ કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી હતી અને પોલીસ દ્વારા રજૂ કરાયેલા રિમાન્ડના 10 મુદ્દાઓને ધ્યાનમાં રાખીને બંને આરોપીને 6 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પીઆઇ દેસાઇ અને હત્યામાં મદદ કરનાર કિરીટસિંહ જાડેજાને અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પરત લઇ જવાયા છે.

Scroll to Top