વડોદરામાં હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી 88 વર્ષની ઉંમરના સોમવારના રોજ મોડી રાત્રીના 11 કલાકે અક્ષર નિવાસી થયા છે. હરિપ્રસાદ સ્વામી ઘણા સમયથી બીમાર હતા. તેમને સોમવારના સાંજે વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમની તબિયત બગડતા દાખલ કરાયા હતા. સોમવારના રોજ મોડી રાત્રીના 11 વાગે સ્વામીજીએ અંતિમ શ્વાસ લઇ લીધા હતા. આ દુખદ સમાચારને કારણે દેશવિદેશનાં હરિભક્તોમાં શોક વ્યક્ત કર્યો છે.
જ્યારે યોગી ડિવાઇન સોસાયટીના સાધુ પ્રેમસ્વરૂપદાસ, સાધુ સંતવલ્લભદાસ, સાધુ ત્યાગ વલ્લભદાસ, વિઠ્ઠલદાસ પટેલ અને સેક્રેટરી અશોકભાઇના સંયુક્ત નિવેદનમાં જણાવ્યા અનુસાર, યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજના પ્રાણધાર પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ જીવન યાત્રા પૂર્ણ કર્યા બાદ 26 જુલાઇના મોડી રાત્રીના 11 વાગે સ્વતંત્ર થતાં અક્ષરધામમાં બિરાજી ગયેલ છે.
હરિપ્રસાદ સ્વામીજીનો 23 મે 1934 માં જન્મ થયો હતો. તેઓ બીએપીએસ સંપ્રદાયના સંત પ્રમુખસ્વામી મહારાજના ગુરુભાઈ તરીકે રહેલા હતા. ગત 23 મેના રોજ હરિપ્રસાદ સ્વામીજીનો 88 મો પ્રાગટય દિન ભક્તોએ ધામધૂમથ ઉજવ્યો હતો. હરિપ્રસાદ સ્વામીજી વડોદરા શહેર-જિલ્લા ઉપરાંત દેશ-વિદેશમાં પણ બહોળી સંખ્યામાં અનુયાયીઓ પણ ધરાવતા હતા.
— Haridham-Sokhada (@iHaridham) July 26, 2021
પ્રાપ્ત માહિતી મુજબ, હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવ દેહને કોલ્ડરૂમમાં મૂકવામાં આવેલ છે. ત્યાંથી મંગળવારના સવારે 11 વાગે પાર્થિવ દેહને હરિધામ સોખડા ખાતે લઇ જવામાં આવશે. સ્વામીજીના પાર્થિવ દેહને બુધવારના રોજ દર્શનાર્થે મૂકાશે.