ઉત્તરપ્રદેશના ડાબડીમાં હત્યાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ત્યાં એક મહિલા સાથે પહેલા દુષ્કર્મ આચરવામાં આવ્યું અને પછી આરોપી દ્વારા પીડિત મહિલા સાથે લગ્ન કરવામાં આવ્યા અને ત્યાર બાદ તેને રસી મુકવાના બહાને ઉત્તરાખંડની પહાડીઓ પરથી ધક્કો મારી દેવામાં આવ્યો છે. મહિલાની હત્યામાં આરોપીની ડાબડી પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસ દ્વારા ઘટનાની તપાસ કરવા માટે નૈનિતાલમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. દ્વારકા કોર્ટના આદેશ મુજબ પોલીસ દ્વારા આ કેસની તપાસ શરુ કરવામાં આવી હતી. ત્યાર બાદ જ આ કેસની વિગતો એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ પાસેથી પ્રાપ્ત જાણકારી મુજબ, ડાબડીમાં રહેનારી એક મહિલા દ્વારા જુલાઈ 2020 માં એક જાણકાર પર લગ્નની લાલચ આપીને દુષ્કર્મ કર્યો હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા તપાસ બાદ ઓગષ્ટ 2020 માં કેસ દાખલ કરીને આરોપીની ધરપકડ કરવામાં હતી અને જેલની સજા સંભળાવવામાં આવી હતી. થોડા મહિનાઓ બાદ પીડિત મહિલાએ કોર્ટ અને પોલીસને સોગંદનામુ આપીને જણાવ્યું હતું કે, તે આરોપી યુવક સાથે લગ્ન કરી રહી છે અને કેસ પરત ખેંચી રહી છે. ત્યાર બાદ આરોપીને જેલમાંથી છોડી દેવામાં આવ્યો હતો. જયારે ઓક્ટોબર 2020 માં તેમણે લગ્ન પણ કરી લીધા હતા.
લગ્ન બાદ પતિ-પત્નીના સંબંધો સારા રહ્યા નહોતા. બન્ને વચ્ચે નાની-નાની બાબતોમાં અણબનાવ બન્યા રહેતા હતા. આ દરમિયાન ઘણી વખત તેમની વચ્ચે હાથાપાઈ પણ થતી હતી. આરોપી ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરમાં રહેનાર હતો. પોલીસના જણાવ્યા મુજબ, તે પોતાની સાસુને પસંદ કરતો નહોતો અને તેનું માનવું હતું કે, સાસુના કારણે તેની પત્ની અવારનવાર પિયર ચાલી જતી હતી અને બન્ને વચ્ચેની લડાઈનું કારણ પણ તેની સાસુ જ રહેતી હતી.
પ્રાપ્ત જાણકારી મુજબ 7, જૂન 2021ના રોજ પતિ પત્નીમાં ઝઘડો થયો હતો જેના કારણે તે પિયર ચાલી ગઈ હતી. યુવક દ્વારા 11 જૂનના રોજ પત્નીને ફોન કરવામાં આવ્યો અને ઉત્તરાખંડમાં આવેલ પોતાના ઘરે જ બોલાવી પરંતુ યુવતીના પરિવારજનોએ તેને જવા દીધી નહોતી. ત્યાર બાદ આરોપીએ માફી માંગી અને પત્નીને લઈને ચાલ્યો ગયો હતો. આરોપી દ્વારા પત્નીને કોરોનાની રસીના બહાને પોતાના ઘરે લઈ જવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, મહિલાના માતા અને તેનો ભાઈ પોતાની બહેનને જવા દેવા માંગતા નહોતા. કેમકે તેના પર ભૂખ્યા રાખીને હેરાન કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. આગામી ચાર દિવસ સુધી રાજેશની પત્નીએ દીકરી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ વાત થતી નહોતી. પીડિત મહિલાનો ફોન સતત બંધ આવી રહ્યો હતો. પરિવારના લોકોને શંકા થઈ અને તેમણે દ્વારકા કોર્ટમાં પોતાની સમસ્યા રજુ કરી હતી.
પરિવારના લોકો દ્વારા દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવી અને કોર્ટે તપાસના આદેશ આપ્યા હતા. પોલીસ દ્વારા મહિલા અને તેના પતિના લાસ્ટ લોકેશનની તપાસ કરવામાં આવી તો તે નૈનિતાલમાં એક સાથે જોવા મળ્યું હતું. ત્યાર બાદ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. આરોપી દ્વારા અંતે હત્યાની વાત સ્વીકારી લેવામાં આવી હતી. તેણે કહ્યું હતું કે, 11 જૂનના રોજ તે દિલ્હીથી નૈનિતાલ ગયો હતો અને બીજા જ દિવસે પહાડ પરથી પત્નીને નીચે ફેંકી દીધી હતી. આરોપીએ કહ્યું હતું કે, તે રોજની લડાઈથી હેરાન થઈ ગયો હતો. પોલીસને પત્નીનો મૃતદેહ મળ્યો નથી, જેની શોધ હજી પણ કરવામાં આવી રહી છે.