મહેસાણામાં મોબાઇલ ફાટતા કિશોરીનું કરુણ મોત, ફોનને ચાર્જિંગમાં રાખી વાત કરતા થયું મોત

મોબાઈલ ફોન આજકાલ લોકો માટે જરૂરિયાત વસ્તુ બની ગઈ છે. એક સમય હતો કે માતાપિતા નાના બાળકોને મોબાઇલ આપતા નહોતા પરંતુ હવે અભ્યાસ સહિતની પ્રવૃત્તિઓ માટે મોબાઇલ જરૂરી બન્યો છે. જેના કારણે બાળકોને મોબાઇલ આપવો જરૂરી બન્યો છે. મોબાઇલ ફોન ચાર્જિંગમાં હોય ત્યારે તેમાં બ્લાસ્ટ થયો હોવાની અનેક ઘટના સામે આવી છે. તેવી જ એક ઘટના મહેસાણાથી સામે આવી છે. મહેસાણામાં મોબાઈલને ચાર્જિંગમાં મૂકીને ફોન પર વાતો કરતા સમયે બ્લાસ્ટ થતાં એક કિશોરીનું મોત થયું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના છેટાસણા ગામમાં બુધવારના રોજ આ ઘટના બની હતી. જેમાં એક કિશોરી મોબાઇલ ચાર્જિંગમાં ભરાવીને વાતચીત કરી રહી હતી તે દરમિયાન મોબાઇલ ધડાકા સાથે ફૂટતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા કિશોરીનું ઘટના સ્થળે જ મોત ગયું હતું. સવારના બનેલા આ બનાવથી કિશોરીનો પરિવાર શોકમાં ખોવાઈ ગયો છે. તેની ગામમાં પણ શોક લહેર છવાઈ ગઈ છે.

બનાવની વાત કરવામાં આવે તો છેટાસણા ગામના શંભુભાઇ પ્રભાતભાઇ દેસાઇની દીકરી શ્રદ્ધા સવારના નવ વાગ્યાની આજુબાજુ પોતાના ઘરના ઉપરના માળે મોબાઇલ પર વાત કરી હતી. તે દરમિયાન મોબાઈલની બેટરી લો હોવાના કારણે શ્રદ્ધાએ ફોનને ચાર્જિંગમાં રાખીને વાત શરુ કરી દીધી હતી. આ દરમિયાન કોઈ કારણોસર મોબાઇલમાં ધડાકો થયો અને ધડાકો એટલો ભયાનક થયો હતો કે શ્રદ્ધાને ગંભીર ઈજા થઈ ગઈ હતી.

મોબાઇલમાં ધડાકો એટલો ભયંકર થયો હતો કે આજુબાજુના લોકો અને ઘરના સભ્યો ઉપરના માળે દોડી આવ્યા હતા. પરિવારના રૂમમાં જોયું તો મોબાઈલમાં ધડાકાને કારણે દીકરીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બાબતમાં ગામના તલાટી સહિતના લોકોને જાણ કરાઈ હતી. કિશોરી જે રૂમમાં વાત કરી રહી હતી તેમાં ઘાસ ભર્યું હોવાના કારણે તે પણ સળગી ગયું હતું. ત્યાર બાદ પાણીનો મારો ચલાવીને આગને બૂઝાવવામાં આવી હતી. આ બનાવ બાદ પરિવાર સિવાય ગામમાં ભયનો માહોલ ઉભો થઈ ગયો છે.

Scroll to Top