ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનના વડાપ્રધાનનું સરકારી નિવાસસ્થાન રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ભાડે આપવાની જાહેરાત કરવામાં આવી છે. સમા ટીવીના અહેવાલ અનુસાર શાસક સત્તારુઠ-પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) એ ઓગસ્ટ 2019 માં વડાપ્રધાનના નિવાસસ્થાનને યુનિવર્સિટીમાં રૂપાંતરિત કરવાની જાહેરાત કરી હતી. વડા પ્રધાન ઇમરાન ખાને તે નિવાસસ્થાન ખાલી કરી દીધું છે અને હવે યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો છે. વળી, સરકારી મિલકતને સરકારી ખજાનાની આવક માટે ભાડે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આર્થિક સંકટને કારણે કેબિનેટે લીધો નિર્ણય
કેન્દ્રીય કેબિનેટે અગાઉ કહ્યું હતું કે વડાપ્રધાનનું નિવાસસ્થાન શૈક્ષણિક સંસ્થામાં રૂપાંતરિત થશે. પરંતુ સ્થાનિક મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇસ્લામાબાદના રેડ ઝોન સંકુલમાં આવેલી આ મિલકત હવે સાંસ્કૃતિક કાર્યક્રમો, ફેશન શો, શૈક્ષણિક અને અન્ય કાર્યક્રમો માટે ભાડે આપવામાં આવશે. આ કામ હાથ ધરવા માટે, બે સમિતિઓની રચના કરવા માટે કહેવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે કેન્દ્રીય કેબિનેટ પીએમ હાઉસમાંથી આવક એકત્ર કરવાની વધુ રીતો પર પણ વિચાર કરી શકે છે.
2019 માં, તત્કાલીન શિક્ષણ મંત્રી શફકત મેહમુદે માહિતી આપી હતી કે પાકિસ્તાન પીએમ નિવાસની જાળવણીનો ખર્ચ 470 મિલિયન રૂપિયા હતો, તેથી ઇમરાન ખાને પરિસર ખાલી કરવાનો નિર્ણય કર્યો અને મકાનને ઉચ્ચ કક્ષાની શૈક્ષણિક સંસ્થામાં રૂપાંતરિત કરવાનો આદેશ આપ્યો. મહમૂદે વધુમાં માહિતી આપી હતી કે લાહોરમાં ગવર્નર હાઉસને મ્યુઝિયમ અને આર્ટ ગેલેરીમાં રૂપાંતરિત કરવામાં આવશે, જ્યારે મુરીમાં પંજાબ હાઉસનો ઉપયોગ પ્રવાસી સંકુલ તરીકે કરવામાં આવશે અને કરાચીમાં ગવર્નર હાઉસનો પણ સંગ્રહાલય તરીકે ઉપયોગ કરવામાં આવશે.
પાકિસ્તાનના પીએમ તરીકે તેમની નિમણૂક બાદ ઈમરાન ખાને સ્વીકાર્યું હતું કે પાકિસ્તાન સરકાર પાસે જાહેર કલ્યાણ યોજનાઓ પાછળ ખર્ચ કરવા માટે પૈસા નથી, જ્યારે દેશમાં કેટલાક લોકો વસાહતી રીતે જીવી રહ્યા છે.
2019 માં પાકિસ્તાનના વડાપ્રધાનનું ઘર લગ્ન સમારોહ માટે ભાડે આપવામાં આવ્યું હતું, જ્યારે ઇમરાન ખાને જાહેરાત કરી હતી કે સત્તાવાર નિવાસસ્થાનને શૈક્ષણિક સંસ્થામાં રૂપાંતરિત કરવામાં આવશે. ખાસ વાત એ છે કે લગ્ન સમારંભ બ્રિગેડિયર વસીમ ઇફ્તિખાર ચીમાની પુત્રી અનમ વસીમનો હતો. બ્રિગેડિયર ચીમા ખાન લશ્કરી સચિવ છે. આ ભવ્ય સમારોહમાં ઈમરાન ખાને પણ હાજરી આપી હતી. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના નિર્માણ માટે ભંડોળ સુરક્ષિત કરવા માટે ચીન પર ઘણો આધાર રાખ્યો છે અને પાકિસ્તાન ઉપર ઘણું દેવું વધી ગયું છે.