ગુજરાતમાં પરપ્રાંતિય હુમલાઓમાં યુ.પી, બિહારનાં લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.
ઉત્તરપ્રદેશની મુલાકાત દરમિયાન વિજય રૂપાણીને સ્થાનિક કોંગ્રેસનાં કાર્યકરોએ કાળા વાવટા દર્શાવી વિરોધ કર્યો હતો. થોડા દિવસો પહેલા ગુજરાતમાં પરપ્રાંતિયો પર જે હુમલા થયા હતા તેમાં ભોગ બનનાર મોટાભાગનાં લોકો બિહાર અને ઉત્તરપ્રદેશનાં હતા.
વિજય રૂપાણી ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા હતા. આ મુલાકાત પહેલા સ્થાનિક કોંગ્રેસનાં કાર્યકરોએ વિજય રૂપાણીને કાળા વાવટા દર્શાવી પરપ્રાંતિયો પરનાં હુમલાનો વિરોધ કર્યો હતો. જોકે, પોલીસ આ કાર્યકરોની અટકાયત કરી હતી.
કોંગ્રેસનાં મીડિયા કો-ઓર્ડિનેટર રાજીવ બક્ષીએ એવો દાવો કર્યો હતો કે, યુવા કોંગ્રેસ દ્વારા રૂપાણીને કાળા વાવટા બતાવી વિરોધ કર્યો હતો. આમ કરતા, 150 કાર્યકરોની ધરપકડ થઇ હતી.
31 ઓક્ટોબરનાં રોજ ગુજરાતમાં વડાપ્રધાનનાં હસ્તે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ થવાનું છે. આ કાર્યક્રમનું આમંત્રણ આપવા માટે રૂપાણી ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રીને મળ્યા હતા.સપ્ટેમ્બર મહિનામાં 14 મહિનાની બાળકી પર દુષ્કર્મ બાદ સ્થાનિક લોકો દ્વારા પરપ્રાંતિયો પર હુમલા શરૂ થયા હતા. આ ગુનાનો આરોપી પરપ્રાંતિય હોય લોકોનો ગુસ્સો પરપ્રાંતિય મજુરોને ટાર્ગેટ બનાવ્યાં હતાં.
આ હુમલાઓ બાદ હજ્જારો પરપ્રાંતિય લોકો ડરના માર્યા ગુજરાત છોડી જતા રહ્યાં. સ્થાનિક ઉદ્યોગોને આનાથી મોટો ફટકો પડ્યો છે અને ગુજરાત છોડીને વતન જતા રહેલા મજુરોને પાછા લાવવા માટે ગુજરાત પ્રયત્ન કરી રહ્યું છે.