વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલે જ ગરીબી દૂર કરવાના લાખ દાવા કરી રહ્યાં હોય પણ સત્ય તેનાથી એકદમ વિપરિત છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ(જીએચઆઈ) નો રિપોર્ટ દેશની એક અલગ જ તસવીર રજૂ કરે છે. રિપોર્ટ મુજબ ભારતમાં ભૂખમરાની એક ગંભીર સમસ્યા છે અને 119 દેશોમાં વૈશ્વિક ભૂખ સૂચકાંકમાં ભારત 103માં ક્રમે સરકી ગયું છે. ગત વર્ષે ભારત આ યાદીમાં 100માં સ્થાને હતું. જોકે તેની મોદી સરકારની એક મોટી નિષ્ફળતા ગણી શકાય છે. અચરજની વાત તો એ છે કે વર્ષ 2014માં કેન્દ્રમાં વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની સરકાર રચાયા બાદથી ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારતના રેન્કિંગમાં સતત ઘટાડો નોંધાયો છે. 2014માં ભારત જ્યાં 55માં ક્રમે હતું તો 2015માં 80માં, 2016માં 97માં અને ગત વર્ષે 100માં ક્રમે પહોંચી ગયું અને આ વખતે તો રેન્કિંગમાં મોટાપાયે ઘટાડો નોંધાયો છે.
ગ્લોબલ હંગર ઈન્ડેક્સ શું છે?
ગ્લોબલ હંગર ઈન્ડેક્સ એટલે કે જીએચઆઈની શરૂઆત 2006માં ઈન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે કરી હતી. વેલ્ટ હંગરલાઈફ નામની એક જર્મન સંસ્થાએ 2006માં પહેલીવાર ગ્લોબલ હંગર ઈન્ડેક્સ જારી કર્યુ હતું. આ વખતે એટલે કે 2018નું ઈન્ડેક્સ તેની 13મી યાદી છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં દુનિયાના તમામ દેશોમાં ખાનપાનની સ્થિતિની વિગતવાર માહિતી હોય છે. એટલે કે લોકોને કેવા પ્રકારના ખાદ્યપદાર્થો મળી રહ્યાં છે. તેની ગુણવત્તા અને માત્રા કેટલી છે અને તેમાં શેનો અભાવ છે? જીએચઆઈનું રેન્કિંગ દર વર્ષે ઓક્ટોબરમાં જાહેર કરાય છે.
ભારતની સ્થિતિ બાંગ્લાદેશ અને નેપાળથી પણ બદતર
ગ્લોબલ હંગર ઈન્ડેક્સ- 2018માં ભારતની સ્થિતિ નેપાળ અને બાંગ્લાદેશ જેવા પાડોશી દેશોથી પણ બદતર છે. ચાલુ વર્ષે જીએચઆઈમાં બેલારુસ ટોચ પર છે તો ભારતના પાડોશી દેશ ચીન 25માં, બાંગ્લાદેશ 86માં, નેપાળ 72માં તો શ્રીલંકા 67માં અને મ્યાનમાર 68માં ક્રમે છે. જોકે પાકિસ્તાન 106માં ક્રમે છે.
જીએચઆઈ-2018માં ભારતના પાડોશી દેશોની સ્થિતિ આવી રહી
- ચીન – 25
- શ્રીલંકા – 67
- મ્યાનમાર – 68
- નેપાળ – 72
- બાંગ્લાદેશ – 86
- મલેશિયા – 57
- થાઈલેન્ડ – 44
- પાકિસ્તાન – 106
ભારતનું દર વર્ષે રેન્કિંગ ઘટી રહ્યું છે
વર્ષ – ભારતનું રેન્કિંગ
2014 – 55
2015 – 80
2016 – 97
2017 – 100
2018 – 103