ગુજરાતમાં તાલિબાન જેવી ક્રૂરતા: અન્ય સમાજની મહિલાઓ સાથે વાત કરતા મહિલાને જાહેરમાં લાત, મુક્કા અને લાકડીઓથી માર્યો માર, રસ્તા પર ઘસેડવામાં આવી

ગુજરાતના દાહોદ જિલ્લામાં એક મહિલા સાથે ક્રૂરતાનો કિસ્સો સામે આવ્યો છે. અહીં પરિવારના સભ્યોએ એવી રીતે માર માર્યો જેમ કે અફઘાનિસ્તાનના કુખ્યાત સંગઠન તાલિબાન કરે છે. મહિલાનો વાંક માત્ર એટલો જ હતો કે તે અન્ય સમાજની મહિલાઓ સાથે વાત કરતી હતી.

લોકોએ વીડિયો વાયરલ કર્યો

ઘટના દાહોદ જિલ્લાના ફતેપુરા ગામની છે. અહીં વલવઈ સમાજ અને ભાભોર સમાજ વચ્ચે લાંબા સમયથી લડાઈ ચાલી રહી છે. વલવઇ સમાજની એક 50 વર્ષીય મહિલા ભાભોર સમાજની મહિલા સાથે વાત કરતી હતી. મહિલાના પરિવારે આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. મહિલાની વાતથી રોષે ભરાયેલા પરિવારે તેને રસ્તાની વચ્ચે લાત, મુક્કા અને લાકડીઓ વડે માર માર્યો અને પછી તેને રસ્તા પર ઘસેડી હતી. સ્થળ પર હાજર કેટલાક લોકોએ આ મહિલાને માર મારતો વીડિયો રેકોર્ડ કર્યો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.

મહિલાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એકશનમાં આવી ગઈ અને થોડા કલાકોમાં જ ચારેય આરોપીઓ દિતાભાઈ વલવાઈ, પંકજભાઈ વલવઈ, પારુભાઈ વલવઈ અને રમણભાઈ વલવઈની ધરપકડ કરી હતી. બાદમાં મહિલાએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

પોલીસે કહ્યું, વાત કરવા પર ગુસ્સે હતો પરિવાર

દાદોદ પોલીસે જણાવ્યું હતું કે મહિલા સાથે ક્રૂરતા એટલા માટે કરવામાં આવી હતી કે તે ભાભોર સમાજની મહિલાઓ સાથે વાતચીત કરતી હતી. તેના પરિવારને આ વસ્તુ પસંદ ન હતી અને તેઓએ તેને વારંવાર આવું કરવા માટે ના પાડવામાં આવી હતી.

Scroll to Top