સુરતના અઠવા લાઇન્સ પર આવેલા ઘડિયાળના શો રૂમમાંથી આશરે દોઢ કરોડના ઘડિયાળની ચોરી થતા ચકચાર મચી છે. રાત્રી દરમ્યાન સાત જેટલા શખ્સોએ શો રૂમને નિશાન બનાવ્યો હતો. અને શો રૂમમાંથી લક્ઝુરીયસ ઘડિયાળની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. છ લાખની લક્ઝુરીયસ ઘડિયાળો ચોરાઈ છે. કુલ 424 નંગ ઘડિયાળ અને 6 લાખની રોકડની ચોરી થઈ છે. ઘટનાની જાણ થતા ઉમરા પોલીસ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. જોકે ચોરીના આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે ચોરો દબાતા પગલે દુકાનમાં પ્રવેશે અને મોંઘીદાટ ઘડિયાળોની ચોરી કરી અંધારામાં પલાયન થઈ ગયા છે.. સુરત રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ સહિતના સ્થળોએ પોલીસ દ્વારા નાકાબંધી કરાઈ છે. સુરત પોલીસના સીસીટીવી કેમેરાની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ચોરોને શોધવા પોલીસની અલગ અલગ ટીમો કામે લગાડાઈ છે. ઉલ્લેખનીય છે કે બે વર્ષ અગાઉ પણ ઘડિયાળના શો રૂમમાં ચોરી થઈ હતી.