ગુજરાત સરકાર દ્વારા અમલ કરવામાં આવી રહેલા ‘લવ જેહાદ’ના કાયદાને લઈને મોટી જાણકારી સામે આવી છે. જેમાં ‘લવ જેહાદ’ કાયદા મુદ્દે ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમુક કલમોની અમલવારી પર મનાઈ ફરમાવવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટ દ્વારા પોતાના અવલોકનમાં નોંધવામાં આવ્યું છે કે, લોભ-લાલચ પુરવાર કર્યા વગર FIR દાખલ થઈ શકશે નહીં. આ સિવાય કલમ 3,4,5 અને 6 ના સુધારા અંગે મનાઈ ફરમાવવામાં આવી છે. હાઈકોર્ટ આંતરધર્મીય લગ્નના આધારે FIR દાખલ કરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.
નોંધનીય છે કે, રાજ્યમાં 15 જૂનથી ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય બિલ-2021, જે ‘લવ જેહાદ’ વિરોધી કાયદો ગણવામાં આવે છે, તેનું અમલીકરણ શરૂ કરી દેવાયું છે. આ કાયદાને રાજ્યમાં લાગૂ કરવા પાછળ એક જ કારણ રહેલું છે. તેમાં કોઈ પણ લાલચ, બળજબરી કે કોઈ પણ પ્રકારની હિંસા કરીને કોઈનું ધર્મ પરિવર્તન કરાવી શકાય નહીં. ગુજરાત વિધાનસભામાં ‘લવ જેહાદ’ કાયદો ભારે હોબાળા વચ્ચે પાસ કરાવવામાં આવ્યો હતો.
તેમ છતાં જો કોઈ વ્યક્તિ આ કાયદાનું ઉલ્લંઘન કરશે તો તેને 5 વર્ષ સુધી સજા અને રૂ.2 લાખ સુધીના દંડની જોગવાઈ પણ કરાઈ છે. સગીર સાથેના ગુનામાં 7 વર્ષ સુધી સજા અને રૂ.3 લાખ દંડ ફટકારવામાં આવશે. અનૂસૂચિત જાતિ, જનજાતિની સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષની સજા કરવામાં આવશે.
તેની સાથે ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા કહેવામાં આવ્યું છે કે, જે લોકો તિલક લગાવી, હાથમાં દોરા બાંધીને હિન્દુ કે અન્ય કોઈ ધર્મની યુવતીઓ સાથે કપટ કરી રહ્યા છે તેમને છોડવામાં આવશે નહીં. ધર્મ પરિવર્તન બાદ યુવતીને હિન્દુ ધર્મમાં પાછા ફરવાનો કોઈ રસ્તો મળતો નથી. જેના કારણે દીકરીઓ અવળા રસ્તા પસંદ કરીને પોતાની જાતને સમાપ્ત કરવાનું નક્કી કરે નાખે છે.