પરપ્રાંતીયો પર હુમલા મામલે હું વિજય રૂપાણી સામે કેસ દાખલ કરીશઃ શક્તિસિંહ ગોહિલ

કોંગ્રેસના નેતા તેમજ બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરીને કહ્યું છે કે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ક્રિમિનલ અને સિવિલ સ્યૂટ દાખલ કરશે. આ મામલે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ માહિતી આપશે.

તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણી બે દિવસની ઉત્તર પ્રદેશની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેઓ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા હતા અને તેમને સ્ટેચ્યૂ ઓફ યુનિટિના અનાવરણ કાર્યક્રમમાં હાજર રહેવાનું આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતા તેમણે અલ્પેશ ઠાકોર અને શક્તિસિંહ ગોહિલનું નામ લીધા વગર તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. એટલું જ નહીં પરપ્રાંતિયો પર હુમલા પાછળ આ બંને નેતાઓનો હાથ હોવાની વાત કરી હતી.

રૂપાણીએ શું કહ્યું?

રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું નામ લીધા વગર રૂપાણીએ પરપ્રાંતિયો પર થયેલા હુમલાઓ અંગે કહ્યું હતું કે, “કોંગ્રેસના એક ધારાસભ્યએ હુમલાઓનું કાવતરું રહ્યું હતું. ચાર રાજ્યમાં ચૂંટણી આવી રહી છે, ઉપરાંત સ્ટેચ્યૂ ઓફ યુનિટિનું અનાવરણ થવાનું છે ત્યારે કોંગ્રેસ વિઘ્નો ઉભા કરી રહી છે. પરંતુ ગુજરાત સરકારે કોંગ્રેસના ષડયંત્રને તોડી પાડ્યું હતું. હાલ ગુજરાતમાં એકદમ શાંતિ છે.”

સાથે સાથે રૂપાણીએ એવું પણ જણાવ્યું હતું કે ઉશ્કેરણીજનક ભાષણ આપવા બદલ ગુજરાત સરકાર કોંગ્રેસના ધારાસભ્ય સામે કાયદેસરની કાર્યવાહી ધરશે.

આ દરમિયાન વિજય રૂપાણીએ કોંગ્રેસના નેતા શક્તિસિંહનું નામ લીધા વગર તેમના નામનો આડકતરો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ” કોંગ્રેસના એક નેતા, કે જેઓ બિહાર કોંગ્રેસના પ્રભારી છે, તેઓ બિહારીઓને રાજ્યમાંથી બહાર કાઢવાની વાત કરી રહ્યા છે.”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top