હની ટ્રેપ: ભાજપના IT સેલ ઇન્ચાર્જને આવ્યો વીડિયો કોલ, ફોન પર જ યુવતી કપડાં ઊતરાવા લાગી, પછી મેસેજ આવ્યો ‘મજા આવીને?’

ભાજપના યુવા હનીટ્રેપના શિકાર થયાની ઘટના સામે આવી છે. ભાજપના યુવા આગેવાનને રાત્રીના એક વીડિયોકોલ આવ્યો હતો. તેમાં યુવતી કપડા ઉતારવા લાગી અને આગેવાનના વીડિયો કટ કર્યાના થોડા સમય બાદ તેમને મેસેજ આવ્યો અને તેમાં રૂ.5 લાખની માંગ કરવામાં આવી હતી. તેને લઈને સાયબર સેલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

તેની સાથે જાણવા મળ્યું છે કે, શહેર ભાજપ આઇટી સેલના ઇન્ચાર્જ મનોજ ગરૈયા મંગળવારની રાત્રીના 1.45 વાગ્યે પોતાના ઘરે સુઈ રહ્યા હતા તે દરમિયાન તેમના મોબાઇલ પર વોટ્સએપ કોલ આવ્યો હતો. જ્યારે આગેવાન દ્વારા આ ફોન રિસીવ કરતા જ વીડિયો કોલમાં દેખાતી એક યુવતી દ્વારા પોતાના કપડા ઉતારવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. મનોજ ગરૈયા કંઇ સમજે તે પહેલા જ તો યુવતીએ તમામ વસ્ત્રો ઉતારી નાખ્યા હતા અને 30 સેકન્ડ સુધી વીડિયોકોલ ચાલુ રહ્યો હતો અને ભાજપના યુવા નેતાએ ફોન કટ કરી દીધો હતો.

જ્યારે ફોન કાપ્યાના થોડા સમય બાદ મેસેજ આવ્યો હતો અને મેસેજ કરનાર દ્વારા પૂછવામાં આવ્યું હતું કે, ‘મજા આવીને’, તે બાબતમાં યુવા આગેવાન સ્થિતિ જાણી ચુક્યા હતા અને બ્લેકમેઇલિંગ શરુ કરવામાં આવે તે પહેલા જ તેમણે સામેથી મેસેજ કરી ધમકાવવાનું શરૂ કરી નાખ્યું હતું. તેમ છતાં સાયબર માફિયા દ્વારા યુવતીનો ન્યૂડ વીડિયો અને તેમા ચેડા કર્યા બાદ યુવા નેતા પણ એવી સ્થિતિમાં હોય તેવો વીડિયો મનોજ ગરૈયાને મોકલી દેવામાં આવ્યો અને રૂ.5 લાખ પેટીએમ અથવા ગૂગલપેથી ચૂકવવાનું જણાવવામાં આવ્યું હતું.

બ્લેકમેઇલર દ્વારા મનોજ ગરૈયાના સોશિયલ મીડિયાના મિત્રોનું લિસ્ટ પણ મોકલવામાં આવ્યું હતું. તેની સાથે બ્લેકમેઈલર દ્વારા તમામ મિત્રોને ન્યૂડ વીડિયો મોકલી બદનામ કરવાની ધમકી આપવામાં આવી હતી. તેમ છતાં બુધવારની બપોરના તેમને તેમના સોશીયલ મીડિયા ગ્રૂપના કેટલાક મિત્રોના ફોન આવ્યા હતા અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ન્યૂડ વીડિયો આવ્યો હોવાની જાણકારી આપવામાં આવી હતી. આ બાબતને લઈને પણ સાયબર ક્રાઇમમાં જાણ કરાઈ છે.

Scroll to Top