રાજસ્થાનના નાગૌર જિલ્લામાં મોટી દુર્ઘટના સામે આવી છે. જિલ્લાના શ્રીબાલાજી કસ્બાની પાસે ટ્રક અને ક્રૂઝર વચ્ચે ભયંકર અકસ્માત થયો છે. ટક્કર એટલી ભયંકર હતી કે તેમાં 11 લોકોનાં મોત નીપજ્યા અને 6 ઈજાગ્રસ્ત થઈ ગયા છે.
દુર્ઘટના બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ થઈ ગયો હતો. જ્યારે અકસ્માતની જાણ થતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. દુર્ઘટના કેવી રીતે થઈ તેના વિશે હજુ કોઈ જાણકારી સામે આવી નથી. ઘાયલોને સ્થાનિક લોકોની મદદથી નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
પોલીસ અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. દુર્ઘટનાનો શિકાર થયેલા તમામ લોકો ઉજ્જૈનના રહેવાસી રહેલા હતા. તેઓ ધાર્મિક યાત્રા માટે નીકળ્યા હતા. ક્રૂઝરમાં સવાર લોકો રામદેવરા બાબા ધામ અને કરણી માતા મંદિરના દર્શન કર્યા બાદ પોતાના ઘરે પરત આવી રહ્યા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર, દુર્ઘટના સવારે નાગૌર જિલ્લાના શ્રીબાલાજી કસ્બાના બાયપાસ ખાતે થઈ હતી. તે સમયે એક ક્રૂઝરમાં સવાર થઈને 17 લોકો જઈ રહ્યા હતા. આ દરમિયાન શ્રીબાલાજી કસ્બાના બાયપાસની નજીક એક ટ્રક સાથે ક્રૂઝર ભયંકર ટક્કર થઈ ગઈ હતી.
ટક્કર એટલી ભયંકર હતી કે, ક્રૂઝરનો કુચો વળી ગયો હતો. તેના કારણે ક્રૂઝરમાં સવાર લોકો તેમાં જ ફસાઈ ગયા હતા. દુર્ઘટનામાં 8 લોકોનાં મોત ઘટનાસ્થળે જ નીપજ્યા હતા. બાકીના 9 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે અકસ્માતની જાણકારી મળતા સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી અને ઈજાગ્રસ્ત લોકોને નોખા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ઈજાગ્રસ્ત પૈકી વધુ 3 લોકોનાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ત્યાર બાદ બાકીના ઈજાગ્રસ્ત લોકોને પ્રાથમિક સારવાર બાદ બીકાનેર રેફર કરાયા હતા. પોલીસ દુર્ઘટનાનું કારણ જાણવા માટે માહિતી એકઠી કરવામાં આવી રહી છે. દુર્ઘટનામાં 11 લોકોનાં મોતના સમાચાર ફેલાતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ થઈ ગયો છે. તેની સાથે બીજી તરફ, દુર્ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ત્યાંનું દૃશ્ય જોઈ આશ્વર્યચકિત થઈ ગઈ હતી.