ભારતીય કાયદો દેશના નાગરિકને આત્મરક્ષણ માટે હથિયારનું લાયસન્સ (Arms License) મેળવવાનો અધિકાર આપે છે. આર્મ્સ એક્ટ, 1959 (Arms Act, 1959) હેઠળ જોગવાઈ કરવામાં આવી છે. જો કે, આ અધિકાર અમુક શરતોને આધીન છે. પોલીસ, સેના, સુરક્ષા દળો અને સુરક્ષા એજન્સીઓ સાથે જોડાયેલા લોકો તેમની પાસે હથિયારો રાખે છે.
પરંતુ શું એક સામાન્ય નાગરિક પણ હથિયાર રાખી શકે? હા રાખી શકે છે. પરંતુ આના માટે તેનું કારણ સ્પષ્ટ હોવું જોઈએ. એટલે કે, અરજદારે સાબિત કરવું પડશે કે તેનો વ્યવસાય એવો છે કે તેને હથિયારની જરૂર પડી શકે છે અથવા તેના પરિવારના જીવન પર જોખમ છે. જો કારણ વાજબી હોય તો તે હથિયારોના લાયસન્સ માટે અરજી કરી શકે છે. પરંતુ હથિયાર રાખવા માટે જ્યાં પોલીસ કમિશનરેટ છે ત્યાં પોલીસ કમિશનરે આની માહિતી આપવી પડશે. આ માટે અલગ પ્રક્રિયા છે.
હથિયારના લાઇસન્સ માટે DM અથવા કમિશનર ઓફિસમાં નિયત ફોર્મેટમાં અરજી કરવાની રહે છે. તપાસમાં જો અરજી સાચી જણાય તો લાયસન્સ આપવામાં આવે છે. જિલ્લા અધિકારી અથવા કમિશનર ઓફિસમાં અરજી કર્યા પછી, અરજી ફોર્મ પોલીસ નિર્દેશક પાસે જાય છે.
અહીંથી તપાસ માટે અરજી ફોર્મ ચકાસણી માટે અરજદારની સ્થાનિક ઓફિસે પહોંચે છે. સ્થાનિક પોલીસ અરજદારનું નામ, સરનામું, પૃષ્ઠભૂમિ, કામ અને ફોજદારી રેકોર્ડ છે કે નહિ તે વિશે સંપૂર્ણ માહિતીની ચકાસણી કરે છે. જો માહિતી સાચી મળી આવે તો અરજી ફોર્મ અને દસ્તાવેજો જિલ્લા ક્રાઇમ રેકોર્ડ બ્યુરોને મોકલવામાં આવે છે.
અહીં પણ અરજદારની ક્રિમિનલ બેકગ્રાઉન્ડ વિશેની માહિતી શોધવામાં આવે છે. પોલીસ સ્ટેશનમાંથી આવેલ રિપોર્ટ ફરી તપાસવામાં આવે છે. આ પછી અરજી રિપોર્ટ સાથે પાછી એસપી ઓફિસને મોકલવામાં આવે છે. પરંતુ પ્રક્રિયા અહીં સમાપ્ત થતી નથી. એસપી ઓફિસમાં મોકલ્યા પછી અહીં કેટલીક કાગળની ઔપચારિકતાઓ હોય છે, જેને પૂર્ણ કરવામાં આવે છે અને એસપી ઓફિસમાંથી અરજી ડીએમ અથવા પોલીસ કમિશનર કચેરીને મોકલવામાં આવે છે.
અરજદાર વિશે સ્થાનિક ગુપ્તચર એકમ પણ તપાસ કરે છે. SP અને LIU નો રિપોર્ટ DM ને મોકલવામાં આવે છે. આ લાઇસન્સ આપવાની છેલ્લી પ્રક્રિયા હોય છે. જો કે આ DM પર નિર્ભર કરે છે કે, તપાસના આધારે તે લાયસન્સ આપે કે ના આપે.
અરજી સાથે જોડવામાં આવતા જરૂરી દસ્તાવેજો: અરજી કરતી વખતે સરનામાંનો પુરાવો, જન્મ પ્રમાણપત્ર, ચરિત્ર પ્રમાણપત્ર, આવક પ્રમાણપત્ર, મિલકતની માહિતી, તબીબી પ્રમાણપત્ર, લોન અથવા ઉધાર લીધેલ છે તો તે વિશેની માહિતી, નોકરી અથવા વ્યવસાયની માહિતી, શૂટિંગ જેવી રમતો સાથે સંકળાયેલા ખેલાડીઓને તેમની અરજીમાં તેમના રમત વિશે માહિતી આપવી પડે છે. આ ઉપરાંત, સુરક્ષા દળોમાંથી નિવૃત્ત થયેલા લોકોએ તેમની સંસ્થામાંથી ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ (એનઓસી) લેવું પડે છે.
હથિયારના પ્રકારની માહિતી: હથિયાર બે પ્રકારના હોય છે બિન-પ્રતિબંધિત બોર અને પ્રતિબંધિત બોર. બિન-પ્રતિબંધિત બોરમાં .22 બોરની રિવોલ્વર, 312 બોરની રાઇફલ અને .45 બોરની પિસ્તોલ જેવા હથિયારો આવે છે. તેમના લાઇસન્સ મળી શકે છે.
જ્યારે પ્રતિબંધિત બોરમાં .303 રાઇફલ, 9 એમએમ પિસ્તોલ, મશીનગન અને એકે -47 જેવા સેમી અને ફુલી ઓટોમેટિક અત્યાધુનિક હથિયારો આવે છે. આવા હથિયારોના લાયસન્સ સામાન્ય લોકોને નથી મળી શકતા. આ ફક્ત સેના, પોલીસ અથવા સુરક્ષા દળો પાસે જ હોય છે. તેથી અરજી કરતી વખતે તમારે કયા હથિયારની જરૂર છે તે વિશે પણ માહિતી આપવી પડશે.
એકવાર લાયસન્સ મળી ગયા પછી તમે સરકાર દ્વારા સ્થાપિત દુકાન પર જઈ વિકલ્પમાં પસંદ કરેલ હથિયાર ખરીદી શકો છો. હથિયાર ખરીદ્યા પછી તેને વહીવટી તંત્ર પાસે લઈ જવું પડે છે. ત્યાં લાયસન્સ અને ખરીદેલા હથિયારની વિગતો મેળ કરીને રેકોર્ડમાં દાખલ કરવામાં આવે છે. આ સાથે જ સંબંધિત પોલીસ સ્ટેશનના રજિસ્ટરમાં આ માહિતી દાખલ કરવાની હોય છે. આ બધું કર્યા પછી જ તમે હથિયારને તમારી સાથે ઘરે લઈ જઈ શકો છો.
એકવારમાં ખરીદી શકો છો કેટલી ગોળીઓ: હથિયારના લાયસન્સની સાથે ગોળીઓ માટે પણ અરજી કરવી પડે છે. હથિયારના લાયસન્સ સાથે ગોળીઓની ખરીદીની પણ છૂટ મળે છે, પરંતુ તેના માટે ફિક્સ ક્વોટા હોય છે. એટલે કે પહેલા વર્ષ માટે 200 ગોળીઓનો ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર તેના હિસાબે તેને વધારે ઓછું કરી શકે છે.
એક લાયસન્સ પર એક વ્યક્તિ એકવારમાં વધુમાં વધુ 100 ગોળીઓ લઇ શકે છે. જો ગોળીઓ સમાપ્ત થઈ ગઈ હોય તો નવી ગોળીઓ ખરીદતી વખતે જૂની ગોળીઓ વિશે સંપૂર્ણ માહિતી આપવી પડે છે.