ભારતને ટૂંક સમયમાં જ એક એવું ખતરનાક હથિયાર મળવા જઈ રહ્યું છે કે જે બાદ ભારતીય નૌકાદળ દરિયામાં ચીન અને પાકિસ્તાનની દરેક હલચલ ને વધારે તાકાત સાથે યોગ્ય જવાબ આપી શક્શે. દુશ્મન પરમાણુ મિસાઇલોને ટ્રેક કરવા માટે ભારતનું પ્રથમ જહાજ INS ધ્રુવ 10 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ 10 સપ્ટેમ્બરે વિશાખાપટ્ટનમમાં ઉપગ્રહ અને બેલિસ્ટિક મિસાઇલોને ટ્રેક કરવા માટે ભારતનું પ્રથમ જહાજ INS ધ્રુવ તૈનાત કરે તેવી અપેક્ષા છે.સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (NTRO) ના સહયોગથી હિન્દુસ્તાન શિપયાર્ડ દ્વારા બનાવવામાં આવેલ, INS ધ્રુવ દુશ્મન પરમાણુ મિસાઇલોને ટ્રેક કરવાની અને દુશ્મન ઉપગ્રહો અને આવનારી બેલિસ્ટિક મિસાઇલોને પારખવાની ક્ષમતા ધરાવે છે.
આઈએનએસ ધ્રુવના લોકાર્પણ સમારોહમાં નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહ અને એનટીઆરઓના ચેરમેન અનિલ દસમાના સાથે ડીઆરડીઓ અને નૌકાદળના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે તેવી અપેક્ષા છે. પરમાણુ મિસાઇલ ટ્રેકિંગ શિપને ભારતીય નૌકાદળના કર્મચારીઓ સાથે વ્યૂહાત્મક દળો કમાન્ડ (SFC) દ્વારા સંચાલિત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી આવા જહાજો ફ્રાંસ, યુએસ, યુકે, રશિયા અને ચીન દ્વારા જ ચલાવવામાં આવે છે.
10,000 ટનનું આ ખતરનાક જહાજ ભારતની ભવિષ્યની બેલિસ્ટિક મિસાઇલ ક્ષમતાના કેન્દ્રમાં હશે, કારણ કે તે ભારતીય શહેરો અને લશ્કરી સ્થાપનોની નજીક આવતા દુશ્મન મિસાઇલો માટે પ્રારંભિક ચેતવણી પ્રણાલી તરીકે કામ કરશે અને તે હુમલાનો સામનો કરી તેને નિષ્ફળ કરવાની ક્ષમતા ધરાવે છે.
એટલું જ નહીં, આ જહાજ હિંદ મહાસાગરમાં ભારતના દરિયાઈ સંરક્ષણ વર્તુળને મજબૂત બનાવશે અને દુશ્મનોથી સાવધ રહેશે. સૌથી મહત્વની બાબત એ છે કે તે એવા સમયે લોન્ચ કરવામાં આવી રહ્યું છે જ્યારે સમગ્ર વિશ્વમાં પાણીની અંદર સશસ્ત્ર અને સર્વેલન્સ ડ્રોનનો યુગ શરૂ થયો છે.