ગુજરાતમાં દારૂ વેચાય છે તેમાં કોઈ બેમત નથી કારણે કે, રાજ્ય સરકાર હંમેશા દારૂબંધીના અમલ માટે કડક કાર્યવાહીની વાતો કરતી રહે છે. વડોદરાની મુલાકાતે આવેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ આ મુદ્દે વધુ એક વખત જાહેરમાં નિવેદન આપ્યું છે. નીતિન પટેલે જણાવ્યું કે, અમારી સરકાર રાજ્યમાં દારૂબંધીના કડક અમલીકરણ માટે કટિબદ્વ છે.
રાજ્યમાં કરોડો રૂપિયાના દારૂની પ્રતિદિન હેરાફેરી કરવા માટે બુટલેગર તૈયાર હોય છે. પોલીસ દ્વારા વોચ રાખી આ હેરફેર રોકવાના ભરપૂર પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ સરકાર દ્વારા કેટલાક કિસ્સાઓમાં દારૂબંધીને ભૂલી જવામાં આવે છે. રાજ્યમાં દારૂબંધીને આડે આવતું સૌથી મોટું પરિબળ છે પ્રવાસન. પ્રવાસનને વિસ્તારવા માટે કેટલાક કિસ્સાઓમાં દારૂબંધીમાં છૂટછાટ આપવામાં આવે છે.
થોડા સમય પહેલા જ દારૂબંધીને કારણે રાજ્ય સરકારને ઓછી આવકની ચિંતા પણ હતી. પરંતુ વડોદરામાં નીતિન પટેલે જાહેર કર્યુ હતું કે, રાજ્યમાં દારૂબંધીના અમલીકરણ માટે અમે ગમે તે કરવા તૈયાર છીએ. ગુજરાતની બહેન દિકરીઓની સલમાતી માટે દારૂબંધીના કડક અમલ માટે મક્કમ છીએ. દારૂબંધી માટે અબજો રૂપિયાની ટેક્સની આવક ગુમાવવી પડે તો પણ ગુમાવીશું.
નીતિન પટેલે જણાવ્યું હતું કે, દેશભરમાં ગુજરાત માત્ર એવું રાજ્ય છે જે દારૂબંધીને કારણે એક્સાઈઝની 2-5 હજાર કરોડની આવક જતી કરે છે. આ ગાંધીનું ગુજરાત છે અને અમે દારૂબંધીનો કડક અમલ કરીએ છીએ. રાજ્યનો ગૃહ વિભાગ પણ દારૂબંધીના કડક અમલ માટે મક્કમ છે.
જે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં દારૂ ઝડપાય છે તે સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈને સસ્પેન્ડ કરવાના પણ પગલાં લેવામાં આવે છે. પટેલે જણાવ્યું હતું કે, દારૂબંધીના કારણે ગુજરાતમાં ક્રાઈમ રેટ ઘણો ઓછો છે. સામાજીક સલામતી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાય ત માટે સખતાઈથી દારૂબંધીનો અમલ કરાવીએ છીએ.
મહત્વનું છે કે, થોડા સમય પહેલા નીતિન પટેલે જ એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે, દારૂબંધીના કારણે ગુજરાતને ટેક્સની આવક ગુમાવવી પડે છે. આ કારણ આગળ ધરી તેમણે કેન્દ્ર સરકાર પાસે ગુજરાતને વધારાની સહાય ફાળવવા માટે પણ માગ કરી હતી. પરંતુ હવે ચૂંટણી નજીક આવતા જ નીતિન પટેલના સૂર બદલાઈ ગયા છે અને તેઓ દારૂબંધીને કારણે રાજ્યને આવકમાં થતું નુકસાન સહન કરવા માટે પણ તૈયાર થઈ ગયા છે.