હરાજીમાં મુકેલ એક નારિયેળને ફળ વેચનારે ખરીદ્યું સાડા છ લાખ રૂપિયામાં, એવું તે શું હતું એ નારિયેળમાં?

12મી સદીના એક પૌરાણિક મહત્વ ધરાવતા મંદિરે ચઢાવેલા નાળિયેરને એક ભક્તે 6.5 લાખમાં ખરીદીને બધાને ચોંકાવી દીધા. આ મંદિર કર્ણાટક ના બગલકોટ જિલ્લાના જામખંડી શહેર નજીક ચિક્કાલકી ગામમાં આવેલું છે. નાળિયેર ખરીદનાર વ્યક્તિ નું નામ મહાવીર હરકે છે જે વિજયપુરા જિલ્લાના ટીકોટા ગામનો છે. તે ફળ વેચવાનો ધંધો કરે છે.

આ વ્યક્તિએ નાળિયેર ખરીદ્યા બાબતે નિવેદન આપ્યું કે “લોકો નાળિયેરના આટલા ઊંચા ભાવને ગાંડપણ અને અંધશ્રદ્ધા કહી રહ્યા છે. પરંતુ મત મુજબ આ મારી ભક્તિ અને સમર્પણ છે.”

મલિંગરાયા મંદિરની સમિતિ દ્વારા આ શુકનિયાળ નાળિયેરની હરાજી બુધવાર ના રોજ કરવામાં આવી હતી. જેમાં ગામ ના લોકો અને અન્ય ભક્તોએ ભાગ લીધો હતો. શ્રાવણ મહિના ના છેલ્લા દિવસે અહીં શ્રી બિરલિંગેશ્વર મેળો પણ ભરાય છે.

મંદિર સમિતિના સચિવ બસુ કડલીએ જણાવ્યું કે, “ભગવાન મલિંગરાયા ને ભગવાન શિવના નંદીનો અવતાર માનવામાં આવે છે. તેમના સિંહાસન પર અર્પણ કરવામાં આવેલું નાળિયેર ખૂબ જ દિવ્ય અને શુભ ગણવામાં આવે છે. આ કારણે તેની હરાજી કરવામાં આવે છે.

પહેલી વાર આ પવિત્ર નારિયેળ દસ હજાર કરતાં વધારે રકમ માં વેચાયું: સચિન બાસુ એ જણાવ્યું કે, વર્ષોથી આ નાળિયેરની હરાજી કરવામાં આવી રહી છે પરંતુ તે ક્યારેય 10,000 રૂપિયાને પાર કરી શકી નથી. પરંતુ આ વખતે બોલી એક હજારથી શરૂ થઈ અને ગણતરી ની મિનિટોમાં એક લાખ સુધી પહોંચી ગઈ. આ પછી એક ભક્તે તેના માટે 3 લાખની બોલી લગાવી. અમને લાગ્યું કે બોલી અહીં સમાપ્ત થશે, પરંતુ અંત માં મહાવીરે 6.5 લાખની બોલી લગાવીને નાળિયેર ખરીદ્યું. મંદિર સમિતિ આ નાણાંનો ઉપયોગ વિકાસ અને અન્ય ધાર્મિક કાર્યો માટે કરશે.

મહાવીર ને આટલી ઊચી બોલી લગવાનું કારણ પૂછવામાં આવ્યું તો તેને જણાવ્યું કે જ્યારે મારી તબિયત ખરાબ હતી, ધંધામાં નુકશાન થયું હતું, ત્યારે મેં ભગવાન મલિંગરાયાને પ્રાર્થના કરી હતી. થોડા મહિનામાં મારી બધી મુશ્કેલીઓ દૂર થઈ ગઈ. હવે હું આ દિવ્ય નાળિયેર મારા ઘરમાં રાખીશ અને દરરોજ તેની પૂજા કરીશ.

Scroll to Top