અમદાવાદ જિલ્લાના ધંધૂકા-બગોદરા રોડ પર આવેલા હરિપુરા પાટિયાની બાજુમાં આજે સવારે ઇકો કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. અકસ્માતમાં કારમાં બેઠેલા ચાર મહિલાના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે.
જ્યારે બે વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઇકો કાર ફૂલઝડપે જઈ રહી હતી અને એ આગળ ઊભેલી ટ્રક પાછળ ઘૂસી ગઈ જેના કારણે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
જ્યારે ઘટનાની જાણકારી મળતા જ ધંધૂકા અને ફેદરા લોકેશનની 108 ઘટનાસ્થળે આવી પહોંચી હતી.
કારમાં ફસાયેલી બે વ્યક્તિને 108ના સ્ટાફ દ્વારા મહામહેનતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાને લીધે ધંધૂકા પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. મૃતકો અમદાવાદના રહેવાસીઓ હોવાનું સામે આવ્યું છે. ધંધૂકા પોલીસ દ્વારા પરિવારને જાણ કરીને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
અકસ્માતમાં પાયલબેન જીગ્નેશભાઈ પટેલ, શિલ્પાબેન દિનેશભાઇ પટેલ, ચેતનાબેન રાજેશભાઈ મોદી, ભાવનાબેન બીપીનભાઈ ગજ્જર મોત નીપજ્યું છે. જ્યારે એક અઠવાડિયા પહેલા જ આ રોડ પર અકસ્માત થયો હતો.