મધ્યપ્રદેશના સાગર જિલ્લામાંથી એક દર્દનાક ઘટના સામે આવી છે. અહીં પોતાની પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીને અડધી રાત્રીના પેટ્રોલ નાખીને જીવતો સળગાવી દેવામાં આવ્યો છે. ગર્લફ્રેન્ડ પણ લગભગ 40 ટકા દાઝી ગયેલી વાત સામે આવી હતી. ઘટનાના કારણે યુવતીના પરિવાર પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. હાલ સમગ્ર બાબતમાં સ્થાનિક પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જ્યારે આ ઘટનાની વાત કરવામાં આવે તો આ સાગરના નારાયવલી પોલીસ સ્ટેશન હેઠળના લહેરિયા સેમરા ગામનો રહેલો છે. આ ઘટના ગુરુવાર-શુક્રવારની મધ્યરાત્રીના ઘટી હતી. 25 વર્ષના રાહુલ યાદવને છોકરીના પિતા અને અન્ય સંબંધીઓ દ્વારા કથિત રીતે પેટ્રોલ નાખીને આગ લગાવી દેવામાં આવી હતી, જેમાં તેમનું કરુણ મોત નીપજ્યું હતું.
આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સમગ્ર દિવસ તણાવ ભર્યો રહ્યો હતો. મૃતકના સંબંધીઓએ ઘટનાને અંજામ આપનાર ગુનેગારોનું ઘર તોડી પાડવાની માંગ સાથે ચક્કાજામ પણ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાહુલ ગામના રહેવાસી ચંચલ શર્મા નામની છોકરી સાથે પ્રેમ સંબંધ હતો. યુવતીના પરિવારના સભ્યો આ સંબંધની વિરુદ્ધમાં હતા.
અંદાજે છ મહિના પહેલા યુવતીના પરિવાર દ્વારા જબલપુર જિલ્લામાં તેના લગ્ન કરાવવામાં આવ્યા હતા, પરંતુ લગ્ન કર્યા બાદ પણ તેમનો પ્રેમ સંબંધ અતૂટ રહ્યો હતો. તેની સાથે છોકરી તેના સાસરિયાના ઘરેથી સેમરા લહરીયા પરત આવી ત્યારે બંને વચ્ચે ફરી મુલાકાત થઈ હતી. રાહુલ સાગરમાં ફળોની દુકાનમાં કામ કરી રહ્યો હતો.
ગુરુવારના રાત્રે જ્યારે મૃતક તેની ગર્લફ્રેન્ડને મળવા ગામ પહોંચ્યો ત્યારે પરિવારના સભ્યોની નજર તેના પર પડી ગઈ હતી. ત્યાર બાદ પરિવારજનોએ આ ઘટનાને અંજામ આપ્યો હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. પોલીસ દ્વારા યુવતીના પરિવારના 4 સભ્યોની અટકાયત કરવામાં આવી છે.
આ કેસમાં સાગર એસપી અતુલ સિંહ દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ ઘટનાની જાણ ગત રાત્રીના 100 ડાયલ પર કરાઈ હતી. પોલીસને ઘટનાસ્થળેથી રાહુલ યાદવ નામના યુવકની લાશ સળગેલી હાલતમાં મળી આવી હતી. તેની સાથે યુવતી કેટલીક દાઝી ગયેલી હાલતમાં મળી હતી. મૃત્યુ અગાઉ યુવકે જણાવ્યું હતું કે, છોકરીના પરિવારના સભ્યોએ તેને સળગાવી નાખ્યો હતો. તેમ છતાં મહિલાએ પોલીસને કહ્યું છે કે, યુવક તેને સળગાવવા માટે આવ્યો હતો. હાલ સમગ્ર બાબતની તપાસ કરવામાં આવી રહી છે.