આજે એક વિચિત્ર બાબત સામે આવી છે. જો તમે ડોક્ટરની સૂચના વગર દવા લઈ રહ્યા છો તો સાવધાન થઈ જવાની તમારે જરૂરીયાત છે. અમદાવાદની બી. જે. મેડિકલ કૉલેજ દ્વારા એક રિસર્ચ કરાયું છે. આ રિસર્ચમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા છે.
રિસર્ચ મુજબ દર્દીઓ સેલ્ફ ડોક્ટર બની રહ્યા હોવાથી દવાની આડઅસરના બનાવો સામે આવી રહ્યા છે. આ મુદ્દે બી. જે. મેડિકલ કોલેજ દ્વારા 2011 થી અત્યાર સુધી રિસર્ચ કરાયું આવ્યું છે. જેમાં જાણવા મળ્યું છે કે, મોટાભાગની આડઅસર દવાની પ્રકૃતિને કારણે થાય છે.
જેમાં કેટલાક દર્દીઓ ડોક્ટરની સૂચના વગર જ મેડિકલ સ્ટોરમાંથી દવા લેતા હોવાનું અનેક વખત સામે આવતું હોય છે. જેના લીધે તેની આડઅસર થતી હોય છે. જેમાં પગનો દુઃખાવો, તાવની દવા, પેટનો દુઃખાવો, એસીડીટી જેવી સામાન્ય દવા માટે લોકોને વધુ આડઅસર જોવા મળે છે. જેમાં લોકો ડોક્ટર તરફથી લખી આપવામાં આવેલો દવાનો કોર્સ પૂરો કરતા નથી. જેના લીધે પણ આડ અસર થતી હોય છે.
આ મુદ્દે બી. જે. મેડિકલ કોલેજના પ્રોફેસર હેડ ડોકટર ચેતનાબેન દેસાઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે, દવાની પ્રકૃતિના કારણે આડ અસર થાય છે. રિચર્સમાં એવું પણ સામે આવ્યું છે કે, સેલ્ફ ડોકટર બનવાના કારણે પણ દવાની આડ અસર થતી હોય છે. કોઈ પણ દવા જાતે લેવી જોઈએ નહીં. ડોક્ટરની સલાહ બાદ જ દવા લેવી જોઈએ.
કોઈ પણ દવાની આડ અસર થાય તો તાત્કાલિક ડોક્ટરને બતાવવું જરૂરી છે. ક્યારેક અમુક દવા પર વધારે અભ્યાસ કરવા જેવું લાગે તો અમે દર્દીઓ પાસે જઈને એનાલિસિસ પણ કરીએ છીએ. નવી એન્ટી બાયોટિક દવાની અનેક આડ અસર હોય છે. આ મુદ્દે વારંવાર પરિણામ આવતા હોય છે, જેને સંશોધન પત્ર તરીકે પ્રસિદ્ધ કરવામાં આવે છે.
જ્યારે બી. જે. મેડિકલ દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં 9,300 લોકોનો સર્વે કરાયો હતો. કોઈ પણ આડઅસર થાય તો તેને જાણવામાં ખૂબ જ વાર લાગી જાય છે. આડઅસર થાય તો તાત્કાલિક જ ડોક્ટર પાસે જઈ દવા લેવી જરૂરી છે. તેમ છતાં જો કોઈને દવાની આડઅસર થઈ હોય તો બી. જે. મેડિકલ કૉલેજ દ્વારા ટોલ ફ્રી નંબર 1800 180 3024 જાહેર કરાયો છે.
જે તે દર્દીએ આ નંબર પર કોલ કરીને માહિતી આપવી પડશે. જેમાં કહેવાનું રહેશે કે, કઈ દવા લીધા બાદ કેવા પ્રકારની આડઅસર થયેલ છે. તેની સાથે જ લોકોને સલાહ આપવામાં આવી છે કે, સામાન્ય હોય તેવી બીમારીમા પણ સેલ્ફ ડોક્ટર બનવું જોઈએ નહીં.