કોરોના વાયરસની ત્રીજી લહેરની આશંકા વચ્ચે સરકાર દ્વારા ઘણા બધા નિયમોમાં છુટછાટ આપવામાં આવી છે. જ્યારે બીજી તરફ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થાય તેવી હરકતો પણ સામે આવી રહી છે. ત્યારે સુરતમાં ખુલ્લેઆમ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન થતુ જોવા મળી રહ્યું છે.
શહેરના પિપલોદ વિસ્તારમાં આવેલી એક ખાનગી હોટલમાં કેટલાક યુવાનો એકત્ર થયા અને ડીજે પાર્ટીનું આયોજન પણ કર્યું હતું. તેમ છતાં અહીંયા કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા. આ પાર્ટીના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાંની સાથે જ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ તે જ વિસ્તાર છે, જ્યાં 24 કલાક પહેલા એક જ બિલ્ડિંગમાં નવ જેટલા લોકોના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેના કારણે તંત્ર દોડતું થઈ ગયું હતું.
કોરોનાની મહામારીમા સુરતના હાલ ખૂબ જ ખરાબ જોવા મળ્યા હતા. બીજી લહેર દરમિયાન લોકોને હોસ્પિટલમાં દાખલ થવા માટે બેડ પણ મળ્યા નહોતા. ત્યારે ઓક્સિજનની સતત ઉણપ હતી. દર્દીઓના સ્વજનો ઈન્જેકશનોની લાંબી કતારોમાં કલાકોના કલાકો ઉભા રહેતા દેખાયા હતા.
તેમ છતાં કોરોનાની બીજી લહેરમાં સુરતના લોકો દ્વારા વિજય મેળવ્યા બાદ સરકાર દ્વારા ઘણા બધા નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે. જ્યારે સુરતના લોકો આ છૂટછાટનો ભરપૂર દુરુપયોગ કરતા જોવા મળી રહ્યા છે. સુરતના પિપલોદ વિસ્તારમાં આવેલી એક ખાનગી હોટલમાં યુવાનો દ્વારા ગઈકાલના નિયમના ધજાગરા ઉડાવીને ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ લોકોએ ન માસ્ક પહેર્યુ હતુ કે ન તો સોશિયલ ડિસ્ટંસીંગનું પાલન કર્યુ હતું.
આ વીડિયો વાયરલ થવાની સાથે જ બોલી બૂમ નાઈટ ક્લબ દ્વારા આયોજીત કરાયેલી ડીજે પાર્ટી સામે સખ્ત પગલાં ભરવાની માંગ પણ ઉભી થઈ છે. જો તેના સામે પગલાં નહીં લેવાય તો આવી પાર્ટીઓ શહેરમાં ચાલતી જ રહેશે. આ પ્રકારના આયોજનના કારણે જ બેદરકારીઓ સામે આવતી હોય છે અને કોરોના સંક્રમણના કેસોમાં ઝડપથી વધારો થતો હોય છે. તેની સાથે હોલમાં મિ. મેંકેટ હોલના સંચાલક સામે પણ પગલાં લેવાની માંગ ઉભી થઈ છે. હાલ, ઉમરા પોલીસ દ્વારા આ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.