ચાલુ ટ્રેનમાંથી ઉતરતા યુવકનું થયું મોત, CCTV વિડીયો સોશિયલ મીડિયામાંપર થયો વાયરલ

ચાલુ ટ્રેન માંથી ઉતરવા માટેની ખોટી ઉતાવળ ભારે પડી શકે છે. ત્યારે આવા ઉતાવળમાં ગાડીમાંથી ઉતરવાના અકસ્માત (Accident) થયાના અનેક બનાવ સામે આવતા રહે છે. ત્યારે આજે દાહોદ રેલવે સ્ટેશન (Dahod railway station) પરનો એક મામલો સામે આવ્યો છે.

જે દાહોદ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતરવાની ખોટી ઉતાવળમાં યુવક ટ્રેન નીચે આવી ગયો મોતને ભેટ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતરવાની ખોટી ઉતાવળ કરનાર યુવકે જીવ ગુમાવ્યો છે. આ ઘટના શુક્રવારે બની હતી જે સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. જેનો વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો હતો.

યુવકે ટ્રેનની ઝડપ વધારે હતી ત્યારે નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદમાં તે સીધો જ પાટા પર પડી ગયો હતો અને ટ્રેન નીચે કપાયો હતો. આ આખો બનાવ દાહોદ રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવી (CCTV footage) કેમેરામાં કેદ થઈ ગયો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટના દાહોદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર- 2 પર બની હતી. જેમાં ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતો યુવકે ટ્રેન નીચે આવી જતાં કપાઈ ગયો હતો. હરિદ્વાર-બાંદ્રા ટ્રેન (Haridwar-Bandra train) પ્લેટફોર્મ નંબર-2 પર આવી હતી. ટ્રેન હજુ ઊભી રહી ન હતી ત્યારે તેમાં સવાર એક યુવકે નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો હતો.

ટ્રેનની ઝડપ વધારે હોવાથી યુવક ફંગોળાઈને પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે પડી ગયો હતો અને તેના શરીર પરથી ટ્રેન પસાર થઈ ગઈ હતી. ત્યારે આશાસ્પદ યુવકનું આ રીતે કમકમાટીભર્યું મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

બનાવ બાદ રેલવે પોલીસ (Railway police) ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને મૃતક યુવકની ઓળખ કરવા સહિતની વિધિ શરૂ કરી હતી. ત્યારે આ તપાસમાં માહિતી પ્રમાણે મૃતક યુવકની ઓળખ ગાલવ શર્મી તરીકે થઈ છે. ઘટના બાદ ગાલવની માતાએ મીડિયા સાથેની વાતચીતમાં અફસોસ કરતા જણાવ્યું હતું કે, દીકરીને રેલવે સ્ટેશન લેવા માટે કોઈને મોકલ્યો હોત તો તે આજે કદાચ જીવતો હોત…!

સામે આવેલા દ્રશ્યોમાં જોવા મળ્યું હતું કે યુવકના શરીરના અનેક ટુકડા થઈ ગયા હતા. આખી ટ્રેન માથેથી પસાર થઈ ગઈ હોવાથી યુવકના શરીરના ટુકડા પાટા પર પથરાયા હતા. યુવકનો થેલો અને તેના ખિસ્સામાં રહેલું પર્સ સહિતનો સામાન પાટા પર પડેલો જોઈ શકાતો હતો. પ્રાપ્ત વિગતો પ્રમાણે 20 વર્ષિય ગાલવ શર્માનું શુક્રવારે સવારે 9.45 વાગ્યે દાહોદમાં ટ્રેન નીચે કપાઇને મોત થયું હતું. દીકરો મોતને ભેટતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે, મૃતક ગાલવ રતલામના શક્તિનગર નિવાસી અને રેલવેમાં જ પાર્સલ ઓફિસર તરીકે ફરજ બજાવતા રાજીવ શર્માનો દીકરો હતો. નોકરી માટે નોઇડાથી ઇન્ટરવ્યુ આપ્યા પછી તે હરિદ્વાર-બાન્દ્રા સ્પે. એક્સપ્રેસથી રતલામ જઇ રહ્યો હતો, પરંતુ કોઈ કારણોસર સ્ટેશન પર ઉતરી ન શક્યો. દરમિયાન દાહોદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 2 પથી પસાર થતી વખતે ચાલુ ટ્રેનમાંથી ઉતરવાની ઉતાવળમાં બેલેન્સ બગડ્યું અને ટ્રેન નીચે આવી જતા મોતને ભેટ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ટ્રેનમાં ચડતી વખતે કે ઉતરતી વખતે પાટા પર પડી ગયેલા લોકોને બચાવવા માટે ફરજ પરના પોલીસકર્મીઓ દોડી આવતા હોય છે. અનેક કિસ્સામાં પોલીસકર્મીઓની સતર્કતાને કારણે અનેક મુસાફરોનો જીવ બચ્યો છે.

બદનસિબે આ કિસ્સામાં ટ્રેન ખૂબ સ્પીડમાં હતી, અને યુવક અચાનક જ પ્લેટફોર્મ અને પાટા વચ્ચે આવી ગયો હતો. આ ઘટના બાદ રેલવે પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી પરિવાર મૃતદેહને લઈને રતલામ પહોંચ્યો હતો અને શનિવારે તેની અંતિમવિધિ કરી હતી.

Scroll to Top