વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા નેશનલ ડિજિટલ હેલ્થ મિશનની શરૂઆત કરશે, ત્યારબાદ વડાપ્રધાન આ પ્રસંગે પોતાનું સંબોધન પણ આપશે. એનડીએચએમ હેઠળ, દરેક ભારતીયને યુનિક ડિજિટલ હેલ્થ આઈડી (Unique Digital Health ID) મળશે. આ શરૂઆત દેશમાં આરોગ્ય સેવાઓની દિશામાં મોટો ફેરફાર સાબિત થઈ શકે છે.
હાલમાં 6 કેન્દ્રશાસિત પ્રદેશોમાં શરૂઆત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લાના પટ પરથી રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય અભિયાનના પાયલોટ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હાલમાં આ યોજના પ્રારંભિક તબક્કામાં છ કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ કરવામાં આવી રહી છે. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની ત્રીજી વર્ષગાંઠ સાથે NDHM નું રાષ્ટ્રવ્યાપી લોન્ચિંગ કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહેશે.
મોટું ઓનલાઇન પ્લેટફોર્મ થશે તૈયાર
જન ધન, આધાર અને મોબાઇલ ટ્રિનિટી અને સરકારની અન્ય ડિજિટલ પહેલ તરીકે તૈયાર કરેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધારે, NDHM હેલ્થ ડેટા સુરક્ષા, ગોપનીયતા અને વ્યક્તિગત માહિતીની ગુપ્તતાને સુનિશ્ચિત કરતા એક વિશાળ જોગવાઈ દ્વારા ડેટા, સૂચના અને માહિતીની માટે એક ઓનલાઈન પ્લેટફોર્મ તૈયાર કરશે. તેનાથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેવાઓ સાથે-સાથે સ્ટાન્ડર્ડ આધારિત ડિજિટલ સિસ્ટમનો લાભ લઈ શકાશે. આ અભિયાન હેઠળ, નાગરિકોની સંમતિથી આરોગ્ય રેકોર્ડ સુધીની પહોંચ અને લેવડ-દેવડને સક્ષમ બનાવી શકાશે.
દરેકનું હશે પોતાનું આરોગ્ય એકાઉન્ટ
એનડીએચએમ હેઠળ, દરેક નાગરિક પાસે હેલ્થ આઈડી હશે જે તેમના આરોગ્ય એકાઉન્ટ તરીકે પણ કામ કરશે, જેમાં વ્યક્તિગત આરોગ્ય રેકોર્ડને મોબાઈલ એપ્લિકેશનની મદદથી જોડી શકાય છે અને જોઈ શકાય છે. આ, હેલ્થકેર પ્રોફેશનલ્સ રજિસ્ટ્રી (HPR) અને હેલ્થકેર ફેસિલિટીઝ રજિસ્ટ્રી (HFR), આરોગ્ય સેવા પ્રદાતાઓ, આધુનિક અને પરંપરાગત બંને તબીબી નિષ્ણાતો માટે સારા ડેટા સંગ્રહ તરીકે કામ કરશે. આ ડોકટરો તેમજ હોસ્પિટલો અને હેલ્થકેર પ્રોવાઇડર્સ માટે વ્યવસાયમાં સરળતા સુનિશ્ચિત કરશે.